એસીસી મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં આજે (22 નવેમ્બર) ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચની શરૂઆતમાં જ ટોસ વખતે રસપ્રદ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. પાકિસ્તાન-એના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. જોકે, ટોસ દરમિયાન સિક્કાના પરિણામને લઈને સર્જાયેલી ગેરસમજને કારણે મેદાન પર થોડીવાર માટે મૂંઝવણભરી સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન બંને ટીમના કેપ્ટનોએ એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા નહોતા.
મેચ શરૂ થતાં પહેલાં ટોસ દરમિયાન પાકિસ્તાન-એના કેપ્ટન અબ્દુલ સમદે 'હેડ્સ'નો કોલ કર્યો હતો. સિક્કો નીચે પડ્યા બાદ મેચ રેફરી નિયામુર રશીદે 'ટેલ્સ' આવ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ જાહેરાત પ્રમાણે ભારતીય ટીમ ટોસ જીતી હોવાનું માનવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ અબ્દુલ સમદ અને ભારતીય કેપ્ટન તિલક વર્મા સિક્કો જોવા માટે નીચે ઝૂક્યા હતા. સમદે સિક્કા તરફ ઈશારો કરીને માઈક પર સ્પષ્ટતા કરી હતી કે સિક્કા પર 'હેડ્સ' આવ્યું છે. આ પછી મેચ રેફરીએ પોતાની ભૂલ સુધારીને પાકિસ્તાન-એને ટોસ વિજેતા જાહેર કર્યું હતું. ટોસ દરમિયાન બનેલી આ ઘટનાએ મેચ શરૂ થતાં પહેલાં જ ચર્ચા જગાવી હતી.
ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન તિલક વર્માએ કહ્યું હતું કે તેમની ટીમ પણ પ્રથમ બેટિંગ કરવાનું વિચારી રહી હતી, કારણ કે પિચ થોડી સૂકી દેખાઈ રહી હતી. તેણે પોતાના બોલરો હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે બંનેએ શાનદાર બોલિંગ કરી છે. ઈજામાંથી સાજા થયા બાદ આ પ્રકારનું પ્રદર્શન કરવું તેમના અને ટીમ બંને માટે મહત્ત્વપૂર્ણ છે. તિલક વર્માએ વધુમાં કહ્યું હતું કે ખેલાડીઓ માટે આ એક સામાન્ય મુકાબલો છે, પરંતુ દર્શકો માટે ભારત-પાકિસ્તાનની મેચ હંમેશાં રોમાંચક હોય છે અને તેઓ આ મુકાબલાની રાહ જોતા હોય છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારત-એની ટીમમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, કેપ્ટન તિલક વર્મા, વિકેટકીપર કુમાર કુશાગ્ર, રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવનો સમાવેશ થાય છે. પાકિસ્તાન-એની ટીમમાં શમીલ હુસૈન, માઝ સદાકત, વિકેટકીપર રોહેલ નઝીર, હસન નવાઝ, કેપ્ટન અબ્દુલ સમદ, ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફિયાન મુકીમ અને અલી રઝાનો સમાવેશ થાય છે.