વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટ ગુરુકુલ સંસ્થાનના અધ્યક્ષ અને 275 સાધુઓ સહિત લાખો ભક્તોના ગુરુસ્થાને વિરાજતા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષાના 60 વર્ષ પૂર્ણ થતાં ષષ્ઠીપૂર્તિ વર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાતુર્માસ સમાપન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સવારે ભગવાનને પંચામૃત અને વિવિધ ફળોના રસથી તથા સાંજે ફૂલપાંખડીઓથી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ અભિષેક કર્યો હતો.આ પ્રસંગે 3500થી વધુ ભક્તો, 35 સંતો અને 700 વિદ્યાર્થીઓએ ચાતુર્માસ દરમિયાન લીધેલા નિયમો ભગવાનના ચરણે અર્પણ કર્યા હતા. એકાદશીના જાગરણની પણ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.સભામાં શ્રી પ્રભુ સ્વામીએ દેવકૃષ્ણદાસજી સ્વામીના જીવનપ્રવાસ અને સેવાકાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર 1946ના રોજ મોરબી જિલ્લાના વેજલપર ગામે જન્મેલા સ્વામીજીએ જૂન 1960માં રાજકોટ ગુરુકુલમાં પ્રવેશ મેળવ્યો હતો. નવેમ્બર 1966માં વડતાલ ધામમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી.તેમની નિશ્રામાં આજે દેશ-વિદેશમાં 70 સંસ્થાઓ કાર્યરત છે અને ભારતમાં 39,500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ગુરુકુલ સંસ્થાન દ્વારા શિક્ષણ, આરોગ્ય, રક્તદાન અને પશુસેવા સહિતના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. સ્વામીજીએ 23 પુસ્તકોનું લેખન કર્યું છે અને 50 લાખ મંત્રોનું લેખન કર્યું છે. 80 વર્ષની વયે પણ તેઓ નિયમિત ધાર્મિક પ્રવૃત્તિઓ અને સત્સંગ વિચરણ કરી રહ્યા છે. અંતે ભક્તોએ સ્વામીશ્રીના દીર્ઘાયુ અને નિરામય સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.