સંખેડા
સંખેડા તાલુકાના રામપુરા ગામેથી સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીનાં દર્શનાર્થે નીકળેલા પદયાત્રા સંઘને તારાપુર-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ એસેન્ટ કારે ત્રણ પદયાત્રીઓને પાછળથી ટક્કર મારતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને પગલે પદયાત્રા સંઘે અધવચ્ચેથી જ યાત્રા પડતી મૂકીને પરત ફરવું પડ્યું હતું. બનાવને પગલે રામપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
૨૦મા વર્ષે ભક્તિભાવ સાથે પદયાત્રાનો પ્રારંભ
રામપુરા રાજપૂત યુવા સેના દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી રામપુરાથી સાળંગપુર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દેવઊઠી એકાદશીના પાવન અવસરે તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ગામમાંથી ૩૬ યુવાનોનો પદયાત્રા સંઘ કષ્ટભંજન દેવ હનુમાનજીનાં દર્શનાર્થે રવાના થયો હતો.
પદયાત્રાના પ્રસ્થાન સમયે સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. 'જય શ્રી કષ્ટભંજન દેવ'ના જયઘોષ સાથે સંઘે ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો. આ પદયાત્રા સાતમા દિવસે બપોરે સાળંગપુર પહોંચવાની હતી. જોકે, રસ્તામાં જ સર્જાયેલી દુર્ઘટનાએ ભક્તિ અને ઉત્સાહના માહોલને શોકમાં ફેરવી દીધો હતો.
તારાપુર-વટામણ હાઈવે પર કારની પાછળથી ટક્કર
પદયાત્રા સંઘ તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તારાપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ એસેન્ટ કારના ચાલકે ત્રણ પદયાત્રીઓને પાછળથી અડફેટે લીધા હતા. કારની ટક્કરથી ત્રણેય યુવાનોને ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતામાં વિરેન્દ્રસિંહ સોમસિંહ કોઠીયાને છાતી તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે અજયસિંહ ડોડિયાને સામાન્ય ઈજાઓ થઈ હતી અને પ્રવિણસિંહ કારેલીયાને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
અકાળે મોતને ભેટેલા વિરેન્દ્રસિંહ કોઠીયાને સંતાનમાં બે પુત્રો છે. પિતાના અચાનક અવસાનથી બંને બાળકોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. હવે બંને બાળકો માતાના સહારે થયા છે. મૃતકના પરિવારજનો અને સગાંસંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અકસમાતને પગલે પદયાત્રા અધવચ્ચેથી જ પરત ફરી
૨૦મા વર્ષે ઉત્સાહભેર નીકળેલા પદયાત્રા સંઘને રસ્તામાં જ અકસ્માત નડતાં અન્ય પદયાત્રીઓએ આગળની યાત્રા પડતી મૂકી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. બનાવની જાણ રામપુરા ગામે થતાં જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ, તારાપુર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.