સુરત અને નવસારી વચ્ચેના અંતરને ઘટાડવા તેમજ દૈનિક અપડાઉન કરતા હજારો વાહનચાલકોની મુસાફરી સરળ બનાવવાની દિશામાં વર્ષોથી ચાલી રહેલા સુરત-નવસારી હાઇસ્પીડ કોરિડોરના કામને આખરે ગતિ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, સુરતથી સુવાલી બીચ સુધીના ફોરલેન રોડ અને સુવાલી બીચના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ સમયમર્યાદામાં પૂર્ણ કરવાના આશયથી તંત્ર સક્રિય થયું છે. બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં જમીન સંપાદન સહિતના પ્રશ્નો કામગીરીમાં અવરોધરૂપ બનતા હવે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી તેના ઉકેલ લાવવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સુરત-નવસારી હાઇસ્પીડ કોરિડોર (ફોરલેન), સુરતથી સુવાલી બીચ સુધીના ફોરલેન રોડ તથા સુવાલી બીચના વિકાસકાર્યો અંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં બંને રોડની કામગીરીમાં આવી રહેલા અવરોધો, ખાસ કરીને જમીન સંપાદનના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગામી દિવસોમાં કયા પગલાં ભરવા અને સંબંધિત વિભાગોએ કેવી રીતે સંકલન કરવું તે અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સુરત-હજીરા ફોરલેન રોડની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ (R&B), પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સુરત મહાનગરપાલિકા (SMC), પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરત-નવસારીને જોડતા મહત્વાકાંક્ષી ફોરલેન હાઇસ્પીડ કોરિડોરનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. જોકે, વિવિધ કારણોસર કામગીરીમાં વિલંબ થતાં વાહનચાલકોને અપેક્ષિત રાહત મળી શકી નથી. હવે જમીન સંપાદન સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો સુરત અને નવસારી વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો લોકોનો સમય અને મુસાફરીની મુશ્કેલીઓ ઘટી શકે છે. બીજી તરફ, સુવાલી બીચ સુધીની કનેક્ટિવિટી સુધરવાથી પ્રવાસન વિકાસને પણ વેગ મળવાની અપેક્ષા છે.