સુરતના પાલ અને ભાઠા વિસ્તારમાં જાહેર સ્થળોએ જોવા મળતા કચરાના ઢગ અને ગંદકી સ્થાનિકો તથા મૂંગા પશુઓ માટે ગંભીર સમસ્યા બની રહ્યા છે. આ વિસ્તારોમાં ખોરાકની શોધમાં ભટકતા પશુઓ કચરાના ઢગ ફંફોસતા જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિકની થેલીઓનું પ્રમાણ વધુ હોવાથી પશુઓના સ્વાસ્થ્ય પર સીધો ખતરો ઊભો થયો છે. પ્લાસ્ટિક ગળી જવાથી પશુઓમાં પાચનતંત્રની ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે, છતાં જાહેરમાં પ્લાસ્ટિક અને કચરો ફેંકવાનો સિલસિલો અટક્યો નથી.
બીજી તરફ, પાલ વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ૨-૩ દિવસથી કચરાની ગાડીઓ નિયમિત ન આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. ડોર-ટુ-ડોર કચરાના કલેક્શનમાં વિલંબ થતા સોસાયટીના રહીશોને નાછૂટકે ઘરનો કચરો સોસાયટીના કેમ્પસમાં જ એકઠો કરીને રાખવાની નોબત આવી છે. કેમ્પસમાં કચરો જમા રહેવાથી દુર્ગંધ ફેલાવાની સાથે મચ્છર અને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે, જેથી રહીશોએ વહેલી તકે નિયમિત સફાઈ અને કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.