દિલ્હીના ઓપનિંગ બેટર પ્રિયાંશ આર્યએ મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી દીધી હતી. તમિલનાડુ સામે શાનદાર પ્રદર્શન કરતા તેણે 181 રન બનાવીને ક્રિસ ગેઈલનો લાંબા સમયથી ચાલ્યો આવતો રેકોર્ડ તોડી નાખ્યો. પ્રિયાંશે ૬૮ બોલમાં ૧૮૧ રન બનાવ્યા જેમાં ૧૯ સિક્સ અને સાત ચોગ્ગા સામેલ હતા.
ભારતમાં રમાયેલી T20 મેચમાં કોઈ પણ બેટર દ્વારા બનાવવામાં આવેલો આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. વર્ષ ૨૦૧૩માં IPLમાં RCB તરફથી રમતા ક્રિસ ગેઈલે પુણે વોરિયર્સ સામે ૧૭૫ રન બનાવ્યા હતા. એક એવો રેકોર્ડ જે એક સમયે તોડવો લગભગ અશક્ય લાગતો હતો પરંતુ પ્રિયાંશે હવે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
વ્યક્તિગત સ્કોર ધરાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રિયાંશ બીજા સ્થાને પહોંચ્યો
આ સાથે T20 ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ધરાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રિયાંશ બીજા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ સ્થાને દક્ષિણ આફ્રિકાના લુહાન-દ્રે પ્રેટોરિયસ છે, જેમણે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ દક્ષિણ આફ્રિકાની એક સ્થાનિક ટુર્નામેન્ટમાં અણનમ ૧૮૮ રન બનાવ્યા હતા. પ્રિયાંશે માત્ર ૩૬ બોલમાં પોતાની સદી પૂરી કરી જે તેના T20 કરિયરની સૌથી ઝડપી સદી છે. અગાઉ IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતી વખતે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૩૯ બોલમાં સદી ફટકારી હતી.
ફિન એલનની સિદ્ધિની બરાબરી
પ્રિયાંશ આર્ય હવે T20 મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત રીતે ટોચના સ્થાને પહોંચી ગયા છે. આ પહેલાં ન્યૂઝીલેન્ડના ફિન એલને 'વોશિંગ્ટન ફ્રીડમ' સામે 'સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ' માટે રમતી વખતે ૧૯ સિક્સ ફટકારી હતી. આ ઇનિંગ્સ દરમિયાન પ્રિયાંશે માત્ર ૩૬ બોલમાં પોતાની સદી પૂરી કરી. તેમની T20 કારકિર્દીની આ ત્રીજી સદી છે.
પ્રિયાંશ આર્ય દ્વારા સ્થાપિત રેકોર્ડ્સ:
• ભારતીય બેટ્સમેન દ્વારા T20માં સર્વોચ્ચ સ્કોર
• ભારતમાં કોઈપણ બેટ્સમેન દ્વારા T20માં સર્વોચ્ચ સ્કોર
• કેપ્ટન દ્વારા T20માં સર્વોચ્ચ સ્કોર
• SMAT (સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)માં સર્વોચ્ચ વ્યક્તિગત ઇનિંગ્સ
• T20 ક્રિકેટમાં બીજી સર્વોચ્ચ વ્યક્તિગત ઇનિંગ્સ
• એક T20 ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ (૧૯)
તમિલનાડુ સામેની પોતાની ઇનિંગમાં પ્રિયાંશે ૬૮ બોલનો સામનો કર્યો, જેમાં તેણે સાત ચોગ્ગા અને ૧૯ છગ્ગા ફટકાર્યા અને ૨૬૬.૧૮નો સ્ટ્રાઈક રેટ જાળવી રાખ્યો. તેના આ શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હીએ પાંચ વિકેટના નુકસાને ૨૭૫ રનનો વિશાળ સ્કોર ખડક્યો. આ ઇનિંગ સાથે પ્રિયાંશે કે.એલ. રાહુલને પાછળ છોડીને T20 ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય બેટરનું સ્થાન મેળવી લીધું છે. તેના પહેલા આ રેકોર્ડ રાહુલના નામે હતો, જેણે આ વર્ષની IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા અણનમ ૧૫૨ રન બનાવ્યા હતા.
એકલા હાથે દિલ્હીને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું
પ્રિયાંશે એકલા હાથે દિલ્હીને આ મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. તેના સિવાય દિલ્હીનો અન્ય કોઈ પણ બેટર હાફ સેન્ચ્યુરી સુધી પહોંચી શક્યો નહીં. અનુજ રાવત ૨૯ રન બનાવી અણનમ રહ્યો, જ્યારે નીતિશ રાણાએ ૧૮ રનનું યોગદાન આપ્યું. તમિલનાડુ તરફથી, કેપ્ટન સાઈ કિશોરે બે ઓવરમાં ૪૪ રન આપ્યા, જ્યારે આર. રાજકુમારે તેની ચાર ઓવરમાં માત્ર ૩૧ રન આપ્યા. એમ. સિદ્ધાર્થે, જેણે પ્રિયાંશની વિકેટ ઝડપી હતી, તેણે પોતાની બે ઓવરમાં ૪૫ રન આપ્યા.