મનપા કમિ. રાજકુમાર બેનીવાલ દ્વારા આજે રજાના દિવસે ઉધના-એ ઝોન, લિંબાયત ઝોન તથા વરાછા-એ ઝોનમાં સફાઇ અને ઇજનેરી કામગીરીના નિરીક્ષણ માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા કમિ. દ્વારા શહેરમાં માત્ર રૂટીન સફાઇના બદલે ડીપ ક્લિનિંગ/સફાઇ પર શરૂઆતથી ભાર મૂકવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રોડ ડિવાઇડરો, ગ્રીલોમાં પણ સફાઇ અને કલરકામ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની સૂચના તંત્રને આપવામાં આવી છે. દરમિયાન આજે ઉધના-એ ઝોન વિસ્તારમાં પોતાના નિર્ધારીત રૂટ પર વિઝીટ ઉપરાંત મનપા કમિ. ચોસઠ જાગણી માતા મંદિરથી ઉધના ઝોન તરફ જવાના રસ્તા પર સ્થિત વાહન ડેપોના રૂટ પર આકસ્મિક ચેકિંગ માટે પહોંચી ગયા હતા. રૂટ પર કચરાના ઢગલા જાઇને મનપા કમિ. અકળાયા હતા અને તાત્કાલિક ઝોનના ડેપ્યુટી એમઓએચને રૂટ સફાઇની કામગીરી ધરાવતા કર્મચારી સામે પગલા ભરવાની સૂચના આપી હતી.
મનપા કમિ. દ્વારા નિર્ધારીત રૂટ પર દરેક ઝોન દ્વારા સફાઇની કામગીરી એકદમ ચકાચક કરવામાં આવી હતી. પરંતુ ઉધના-એ ઝોનમાં રાઉન્ડ દરમિયાન કમિ. નિર્ધારીત રૂટથી અલગ વધારાના રૂટ પર નિરીક્ષણ માટે પહોંચી જતા કચરાના ઢગલા નજરે પડ્યા હતા. મનપા કમિ.ની સૂચનાને પગલે મોડી સાંજે ઝોનના નાયબ આરોગ્ય અધિકારી દ્વારા સંલગ્ન રૂટ પર સૂચના છતાં સફાઇની કામગીરીમાં લાપરવાહી દાખવનાર એક સફાઇ કામદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જયારે ટેમ્પરરી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા અન્ય એક મહિલા સફાઇકર્મીને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.
બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસથી મનપા કમિ. દ્વારા તબક્કાવાર ઉધના-એ, લિંબાયત અને વરાછા-એ ઝોન વિસ્તારમાં નિર્ધારીત રૂટો પર આરોગ્ય/સફાઇ અને ઇજનેરી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિ.ના રાઉન્ડના રૂટ નિર્ધારીત હોવાથી સંલગ્ન ઝોનના ઝોનલ ચીફો, કાર્યપાલક ઇજનેર અને નાયબ આરોગ્ય અધિકારીઓ એલર્ટની સ્થિતિમાં આવી ગયા હતા.