અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. કોન્સર્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા, પરંતુ સંગીત અને મનોરંજનના કાર્યક્રમ વચ્ચે મોબાઈલ ચોરોએ અનેક લોકોનાં ખિસ્સાં ખાલી કર્યા હતા. આ મામલે અંદાજે 70 ફરિયાદો નોંધાયા બાદ મોટેરા પોલીસે તપાસ હાથ ધરી આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગના અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
દિલજીત દોસાંજના લાઇવ પર્ફોર્મન્સને માણવા માટે મોટી સંખ્યામાં ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં ગીતો અને યાદગાર પળોને કેદ કરી હતી. જોકે, કોન્સર્ટ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમની બહાર નીકળતી વખતે ઘણા લોકોને પોતાના મોબાઈલ ફોન ગુમ થયાની જાણ થઈ હતી. મોંઘી કિંમતની ટિકિટ ખરીદીને કાર્યક્રમમાં પહોંચેલા ચાહકોના મોબાઈલ ફોન ચોરાતાં નારાજગી જોવા મળી હતી. મોબાઈલ ફોનની કિંમત ઉપરાંત તેમાં રહેલો વ્યક્તિગત ડેટા અને મહત્ત્વની માહિતી ગુમાવવાની ચિંતાએ પણ લોકોને પરેશાન કર્યા હતા.
મોબાઈલ ચોરીની એક પછી એક ફરિયાદો મળતાં મોટેરા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંદાજે 70 ફરિયાદોના આધારે પોલીસે કોન્સર્ટ દરમિયાન થયેલી ચોરીઓની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મોબાઈલ ચોરીના ઇરાદે એક ગેંગ ખાસ દિલ્હીથી કાર લઈને અમદાવાદ આવી હતી. ગેંગના સભ્યો પંજાબી લુકમાં કોન્સર્ટમાં પહોંચ્યા હતા અને ભીડનો લાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે તપાસના આધારે ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. જોકે, અન્ય બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેમની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગે કોન્સર્ટ દરમિયાન કેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને ચોરાયેલા ફોન ક્યાં વેચવામાં આવ્યા હતા તે સહિતના મુદ્દે મોટેરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.