જિલ્લાના અરેઠ તાલુકામાં 108 ઇમરજન્સી સેવાની ટીમે પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ બેભાન થયેલા યુવકની સારવાર માટે દોડી આવેલી 108ની ટીમને તેની પાસે રૂ.45 હજાર રોકડા મળી આવ્યા હતા. દર્દી બેભાન હોવાથી ટીમે આ રકમ સુરક્ષિત રીતે સાચવી રાખી હતી અને બાદમાં તેના પરિવારજનોને પરત સોંપી હતી.
108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખના જણાવ્યા મુજબ, અરેઠ તાલુકાના ઝરપણ ગામ નજીક પેટ્રોલ પંપ સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં બાઈકસવાર ભાગ્યેશભાઈ માનસિંગભાઈ ચૌધરી ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ અરેઠ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન 108ના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) તન્વીબેન અને પાયલોટ ભરતભાઈ ચૌધરીના ધ્યાન પર દર્દી પાસે રહેલી રૂ.45 હજારની રોકડ રકમ આવી હતી. દર્દી બેભાન અવસ્થામાં હોવાથી ટીમે તેમની અંગત મિલકતની સુરક્ષાની જવાબદારી નિભાવી રોકડ રકમ પોતાની પાસે સુરક્ષિત રાખી હતી. ત્યારબાદ દર્દીના સગા પ્રતિકભાઈ ચૌધરીને આ સમગ્ર રકમ પરત સોંપવામાં આવી હતી. અકસ્માતના સમયે કિંમતી રોકડ રકમ સુરક્ષિત રીતે પરત મળતાં પરિવારજનોએ 108ની ટીમની પ્રામાણિકતા, માનવતા અને ફરજનિષ્ઠાની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.