ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે, 24 નવેમ્બર 2026ના રોજ ભારતીય શેરબજારમાં રજા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઇક્વિટી સહિતના તમામ મુખ્ય સેગમેન્ટમાં આખો દિવસ ટ્રેડિંગ બંધ રહેશે. જોકે, કોમોડિટી માર્કેટમાં આંશિક ટ્રેડિંગ ચાલુ રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારનું સત્ર બંધ રહેશે, પરંતુ સાંજે 5 વાગ્યાથી ટ્રેડિંગ ફરી શરૂ થશે. સવારના 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી MCX પર ટ્રેડિંગ બંધ રહેશે. ત્યારબાદ સાંજના સત્રમાં રાત્રે 11:30 વાગ્યા સુધી, જ્યારે કેટલાક કોન્ટ્રાક્ટમાં 11:55 વાગ્યા સુધી ટ્રેડિંગ થઈ શકશે. બીજી તરફ, નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) પર આખો દિવસ કારોબાર બંધ રહેશે.
BSE અને NSE પર ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ (F&O), સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB), કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સહિતના સેગમેન્ટમાં ટ્રેડિંગ નહીં થાય. બંને એક્સચેન્જ પર સામાન્ય કારોબાર બુધવાર, 25 નવેમ્બરે સવારે 9:15 વાગ્યે ફરી શરૂ થશે. રજા પહેલાં સોમવાર, 23 નવેમ્બરના રોજ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 1,483.72 પોઇન્ટ એટલે કે 1.77 ટકા ઘટીને 82,435.99 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 450.95 પોઇન્ટ એટલે કે 1.75 ટકા ઘટીને 25,349.65 પર સ્થિર થયો હતો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને મેટલ શેરોમાં થયેલી વેચવાલીથી બજાર પર દબાણ વધ્યું હતું. 2026માં ગુરુ નાનક જયંતિ બાદ BSE અને NSEની આગામી નિર્ધારિત ટ્રેડિંગ રજા 25 ડિસેમ્બરે ક્રિસમસ નિમિત્તે રહેશે. એટલે હવે વર્ષના અંત સુધીમાં શેરબજાર માટે એક નિર્ધારિત રજા બાકી છે.