પરિવારમાં કમાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય અને પાછળ હોમ લોન કે પર્સનલ લોન બાકી રહી જાય તો પરિવાર સામે એક મોટો સવાલ ઊભો થાય છે: હવે આ લોન કોણ ભરશે? શું બેંક પત્ની કે બાળકોની કમાણીમાંથી વસૂલી કરી શકે? ભારતીય કાયદા મુજબ, લોન લેનારના મૃત્યુ પછી પરિવારજનો આપોઆપ લોનના દેવાદાર બની જતા નથી. જોકે, કેટલીક પરિસ્થિતિમાં તેમની જવાબદારી ઊભી થઈ શકે છે.
માત્ર પત્ની કે સંતાન હોવાને કારણે લોન ભરવી પડતી નથી!
ભારતીય કાયદા મુજબ, લોન લેનાર વ્યક્તિના મૃત્યુથી તેના પરિવારજનો આપોઆપ લોનના વ્યક્તિગત દેવાદાર બની જતા નથી. જો પત્ની કે સંતાન લોનના સહ-અરજદાર ન હોય, ગેરેન્ટર ન હોય અને મૃતકની કોઈ મિલકત વારસામાં મેળવી ન હોય, તો માત્ર સંબંધના આધારે બેંક તેમની વ્યક્તિગત આવક કે પોતાની મિલકતમાંથી વસૂલી કરી શકતી નથી.
જોકે, મૃતકની મિલકત, બેંક બેલેન્સ કે અન્ય સંપત્તિ વારસામાં મળી હોય તો તેની હદ સુધી બેંક કાયદેસર વસૂલીનો દાવો કરી શકે છે. એટલે કે વારસદારની જવાબદારી સામાન્ય રીતે તેને મળેલી મૃતકની મિલકતની કિંમત સુધી મર્યાદિત રહે છે; પોતાની અલગ કમાણી અને સંપત્તિ સુધી નહીં.
ત્રણ પરિસ્થિતિમાં પરિવાર પર આવી શકે છે જવાબદારી!
પ્રથમ, જો પત્ની કે પરિવારનો અન્ય સભ્ય લોનમાં સહ-અરજદાર હોય તો લોનના કરાર પ્રમાણે તેની જવાબદારી ચાલુ રહે છે. લોન લેનારના મૃત્યુથી સહ-અરજદારની જવાબદારી પૂરી થતી નથી.
બીજી પરિસ્થિતિ ગેરંટીની છે. જો કોઈ વ્યક્તિએ લોન માટે ગેરેન્ટર તરીકે સહી કરી હોય તો ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 128 મુજબ ગેરેન્ટરની જવાબદારી મુખ્ય દેવાદાર જેટલી હોઈ શકે છે, જો કરારમાં અલગ જોગવાઈ ન હોય. ગેરેન્ટરનું પણ મૃત્યુ થાય તો તેના મૃત્યુ પહેલાં ઊભી થયેલી જવાબદારી તેની વારસામાં મળેલી મિલકત સામે ચાલુ રહી શકે છે. કલમ 131 મુજબ, સતત ગેરંટી સામાન્ય રીતે ગેરેન્ટરના મૃત્યુ પછી ભવિષ્યના વ્યવહારો માટે રદ થાય છે, પરંતુ અગાઉથી ઊભી થયેલી જવાબદારી આપોઆપ સમાપ્ત થતી નથી.
ત્રીજી સ્થિતિમાં લોન માટે મિલકત ગીરવે મૂકેલી હોય છે. ઉદાહરણ તરીકે, હોમ લોનમાં ઘર બેંક પાસે ગીરવે હોય તો ચુકવણી ન થવાના સંજોગોમાં બેંક કાયદાકીય પ્રક્રિયા દ્વારા મિલકત સામે કાર્યવાહી કરી શકે છે. મિલકત વારસામાં મળી હોય તોપણ ગીરવેનો બોજ દૂર થતો નથી.
કોર્ટના બે ચુકાદા સમજાવે છે કાયદાની મર્યાદા!
6 જુલાઈ, 2024ના રોજ 'યુનિયન બેંક ઑફ ઇન્ડિયા વિરુદ્ધ કમલેશ' કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે બેંકનો આશરે 1.96 લાખ રૂપિયાની વસૂલીનો દાવો ફગાવ્યો હતો. પુત્ર સહ-અરજદાર કે ગેરેન્ટર નહોતો અને તેને માતાની મિલકત વારસામાં મળી હોવાનો પુરાવો પણ નહોતો.
બીજી તરફ, 6 ફેબ્રુઆરી, 2026ના રોજ 'ફેડરલ બેંક લિમિટેડ વિરુદ્ધ બી.એમ. બજાજના કાનૂની વારસદારો' કેસમાં દિલ્હી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે વારસદારોની જવાબદારી તેમને મળેલી મિલકતની હદ સુધી જ રહેશે. આશરે 10.91 લાખ રૂપિયાની વસૂલીના આ કેસમાં તેમની વ્યક્તિગત સંપત્તિને જવાબદાર ગણાવી શકાય નહીં.
બેંકનો ફોન આવે તો શું કરવું?
આવી પરિસ્થિતિમાં પરિવારજનોએ લોનના દસ્તાવેજો, સહ-અરજદાર અને ગેરંટીના કરાર, ગીરવે મૂકેલી મિલકત તથા લોન સાથે જોડાયેલા વીમાની વિગતો તપાસવી જરૂરી છે. ઘણી હોમ લોન સાથે ક્રેડિટ લાઇફ ઇન્શ્યોરન્સ હોય છે, જેની શરતો મુજબ વીમાની રકમથી બાકી લોન ચૂકવાઈ શકે છે. જોકે, દરેક લોનમાં આવો વીમો હોય જ એવું નથી.
બેંકની નોટિસ મળે તો તેને અવગણવાને બદલે લેખિતમાં જવાબ આપવો અને જરૂર પડે ત્યારે વકીલની સલાહ લેવી. બેંક વસૂલી કરી શકે છે, પરંતુ તે કાયદાની પ્રક્રિયા અને કરારની મર્યાદામાં જ હોવી જોઈએ.
આખરે યાદ રાખવાની વાત એટલી જ છે કે વ્યક્તિના મૃત્યુ પછી દેવું આપોઆપ પરિવારના માથે આવી પડતું નથી. જવાબદારી નક્કી કરવામાં સંબંધ કરતાં વધુ મહત્ત્વ લોનના દસ્તાવેજો, ગેરંટી અને વારસામાં મળેલી મિલકતનું છે.