ગોવાનું નામ સાંભળતાં જ બાગા, કલંગુટ અને અંજુના બીચ યાદ આવે. પરંતુ આ લોકપ્રિય સ્થળોથી દૂર ગોવાની એક એવી દુનિયા છે, જે હજી પણ ઘણા પ્રવાસીઓ માટે અજાણી છે. અહીં ક્યાંક દરિયાઈ કાચબાઓનું સુરક્ષિત રહેઠાણ છે, તો ક્યાંક નદીની વચ્ચે વસેલું શાંત ગામ. જો પ્રવાસમાં ભીડ કરતાં કુદરત અને નિરાંત પસંદ હોય તો આ પાંચ સ્થળો ખાસ છે.
ગલ્ગીબાગ બીચ : કાચબાઓનું સુરક્ષિત ઘર!
દક્ષિણ ગોવાના કાનાકોના વિસ્તારમાં આવેલો ગલ્ગીબાગ બીચ ઓલિવ રિડલે નામના દરિયાઈ કાચબાઓના ઈંડાં મૂકવાના સુરક્ષિત વિસ્તારોમાંનો એક છે. આશરે એક કિલોમીટર લાંબો આ દરિયાકિનારો નારિયેળનાં વૃક્ષો અને સોનેરી રેતીથી ઘેરાયેલો છે. અહીં અન્ય લોકપ્રિય બીચની જેમ મોટી સંખ્યામાં ખાણીપીણીનાં સ્ટોલ કે મનોરંજનની સુવિધાઓ નથી. તેથી જ અહીં શાંતિનો અનુભવ થાય છે. માડગાંવથી આશરે ૫૪ કિલોમીટર અને પાલોલેમથી લગભગ ૭ કિલોમીટર દૂર આવેલા આ સ્થળે ટેક્સી કે ભાડાના દ્વિચક્રી વાહનથી પહોંચી શકાય છે. કાચબાના ઈંડાં મૂકવાની મોસમમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
દિવાર ટાપુ : નદીની વચ્ચે વસેલું નાનકડું ગામ!
પણજીથી આશરે ૧૧ કિલોમીટર દૂર મંડોવી નદીની વચ્ચે આવેલો દિવાર ટાપુ ગોવાના ગામઠી જીવનનો અનુભવ કરાવે છે. અહીં પહોંચવા માટે જૂના ગોવા અથવા રિબંદરથી સરકારી હોડી લેવી પડે છે. આ હોડીમાં વાહન પણ લઈ જઈ શકાય છે. જૂનાં પોર્ટુગીઝ શૈલીનાં મકાનો, ચર્ચ, લીલાં ખેતરો અને સાંકડા રસ્તાઓ અહીંનું આકર્ષણ છે. ટાપુ પર નાનાં ખાણીપીણીનાં સ્થળો મળે છે, પરંતુ મોટા બજાર કે મનોરંજનની ખાસ સુવિધાઓ નથી. અહીં સાઇકલ કે દ્વિચક્રી વાહન પર ગામની સફર કરવી એક અલગ અનુભવ છે.
નેત્રાવલી : જંગલમાં છુપાયેલું પરપોટાનું સરોવર!
દક્ષિણ ગોવાના સાંગેમ તાલુકામાં આવેલું નેત્રાવલી વન્યજીવ અભયારણ્ય કુદરતપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. પણજીથી આશરે ૮૦ અને માડગાંવથી ૫૦ કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં ગાઢ જંગલો, ઝરણાં અને વિવિધ પક્ષીઓ જોવા મળે છે. અહીંનું બુડબુડયાંચે તળે ખાસ આકર્ષણ છે. તેના તળિયેથી પાણીની સપાટી પર સતત પરપોટા ઊભરતા જોવા મળે છે. અહીં પહોંચવા માટે ખાનગી વાહન અથવા ટેક્સી વધુ અનુકૂળ છે. જંગલ વિસ્તાર હોવાથી ખાણીપીણીની સુવિધાઓ મર્યાદિત છે. પાણી અને નાસ્તો સાથે રાખવો યોગ્ય છે.
બટરફ્લાય બીચ : હોડીમાં બેસીને પહોંચો કુદરતની ગુફા સુધી!
દક્ષિણ ગોવાના કાનાકોના વિસ્તારમાં આવેલો આ નાનકડો દરિયાકિનારો ટેકરીઓ અને ગાઢ વૃક્ષોથી ઘેરાયેલો છે. તેની અર્ધચંદ્રાકાર રચના તેને વિશેષ બનાવે છે. અહીં પાલોલેમ અથવા અગોંડાથી હોડી દ્વારા આશરે ૩૦થી ૪૫ મિનિટમાં પહોંચી શકાય છે. રસ્તા દ્વારા જવાનો વિકલ્પ પણ છે, પરંતુ જંગલમાંથી પસાર થતો પગપાળા માર્ગ મુશ્કેલ છે. અહીં દુકાનો, ખાણીપીણીનાં સ્ટોલ અને સુરક્ષાકર્મીઓની સુવિધા મર્યાદિત છે. તેથી પાણી અને જરૂરી વસ્તુઓ સાથે લઈ જવી જરૂરી છે.
કોલા બીચ : એક તરફ દરિયો, બીજી તરફ લીલું સરોવર!
કાનાકોના વિસ્તારમાં આવેલો કોલા બીચ તેની અનોખી રચના માટે જાણીતો છે. અરબી સમુદ્રની બાજુમાં આવેલું લીલાશ પડતું મીઠા વિનાનું કુદરતી જળાશય તેને અન્ય બીચથી અલગ બનાવે છે. અહીં પહોંચવા માટે ખાનગી વાહન અથવા ટેક્સી લેવી પડે છે. છેલ્લો રસ્તો ઊબડખાબડ હોવાથી વાહન ચલાવતી વખતે સાવચેતી જરૂરી છે. અહીં નાનાં રહેઠાણો, મર્યાદિત ખાણીપીણીનાં સ્થળો અને જળાશયમાં હોડી ચલાવવાની સુવિધા મળે છે. દરિયામાં તરતાં પહેલાં સ્થાનિક સુરક્ષા સૂચનાઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
ગોવાની આ જગ્યાઓની મુલાકાત માટે સામાન્ય રીતે ઑક્ટોબરથી માર્ચનો સમય અનુકૂળ ગણાય છે. ચોમાસામાં હોડીની સફર અને જંગલના રસ્તાઓ જોખમી બની શકે છે. ગોવાની ખરી સુંદરતા જોવા માટે હંમેશાં ભીડભાડવાળા સ્થળે જવું જરૂરી નથી. ક્યારેક અજાણ્યા રસ્તે મળેલું નાનકડું ગામ કે શાંત દરિયાકિનારો આખી સફરની સૌથી સુંદર યાદ બની જાય છે!