પારડી : ભારત દેશના યુવાધનને વર્તમાન અને ભવિષ્યમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ સ્વૈચ્છિક રક્તદાન પ્રત્યે જાગૃત કરવા ઉમદા હેતુ સાથે વર્ષ 2023 થી પારડીમાં RACE PARDI દ્વારા શ્રી વલ્લભ આશ્રમ અને MASK ના સહયોગથી ‘રન પારડી રન’ નું આયોજન કરવામાં આવે છે. આ આયોજન હવે ‘પારડી હાફ મેરેથોન’ તરીકે નવી ઓળખ સાથે આગળ વધી રહ્યું છે.
પારડી વલ્લભ આશ્રમમાં પારડી હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાંથી 1200 જેટલા વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિવિધ વયજૂથના સ્પર્ધકોની ઉત્સાહભેર ભાગીદારીએ કાર્યક્રમને સફળતા અને પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બનાવ્યું હતું. આ મેરેથોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા દોડવીરોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ઓવરઓલ 21.1 કિ.મી., 10 કિ.મી. અને 5 કિ.મી.ની દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર દોડવીરોને પ્રાઇઝ મની આપવામાં આવશે.