કલ્પના કરો કે તમે પહેલી વાર કોઈ શહેરની ગલીમાં ફરવા ગયા છો. આસપાસનાં મકાનો, રસ્તો અને દુકાનો બધું જ અજાણ્યું છે. છતાં અચાનક મનમાં વિચાર આવે છે કે, “અરે! હું અહીં પહેલાં પણ આવી ચૂક્યો છું. આ જ રસ્તો, આ જ દૃશ્ય જાણે અગાઉ જોયેલું છે!” હકીકતમાં તમે ત્યાં ક્યારેય ગયા નથી, છતાં અનુભવ એકદમ સાચો લાગે છે. આ રહસ્યમય લાગણીને વિજ્ઞાનમાં 'ડેજા વૂ' કહેવામાં આવે છે. મનોચિકિત્સકના દૃષ્ટિકોણથી જોઈએ તો આ કોઈ અલૌકિક શક્તિ નહીં, પરંતુ મગજની યાદશક્તિ અને ઓળખાણની પ્રક્રિયા સાથે જોડાયેલી ઘટના છે.
મગજની યાદશક્તિમાં થતી નાની ગેરસમજ!
ડેજા વૂનો ચોક્કસ કારણ હજુ સંપૂર્ણપણે સાબિત થયું નથી. જોકે, એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સમજ મુજબ મગજમાં કોઈ દૃશ્યને ઓળખવાની લાગણી અને તે દૃશ્યની ખરેખર યાદ હોવી, આ બંને અલગ પ્રક્રિયાઓ છે. ક્યારેક મગજ કોઈ નવા દૃશ્યને જૂના અનુભવ જેવું ઓળખી લે છે, પરંતુ તેની સાથે જોડાયેલી ચોક્કસ યાદ શોધી શકતું નથી. પરિણામે વ્યક્તિને લાગે છે કે આ ઘટના પહેલાં બની ચૂકી છે.
આ પ્રક્રિયામાં હિપોકેમ્પસ અને ટેમ્પોરલ લોબ જેવા મગજના ભાગોની ભૂમિકા મહત્ત્વની છે. આ ભાગો યાદો બનાવવા, સંગ્રહવા અને ઓળખાણ સાથે જોડાયેલા છે. કેટલીકવાર દૃશ્યની ગોઠવણી, પ્રકાશ, અવાજ કે વાતાવરણ અગાઉના કોઈ અનુભવ સાથે થોડું સામ્ય ધરાવતું હોય તો પણ ઓળખાણની લાગણી ઊભી થઈ શકે છે.
સંશોધનના આંકડા શું કહે છે?
2024માં 'ફ્રન્ટિયર્સ ઇન ન્યુરોલોજી'માં પ્રકાશિત વ્યવસ્થિત સમીક્ષા અને મેટા-વિશ્લેષણમાં 46 અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં તંદુરસ્ત વ્યક્તિઓમાં આશરે 74 ટકા લોકોએ સામાન્ય ડેજા વૂ અનુભવ્યો હોવાનું તારણ મળ્યું હતું. એટલે આ અનુભવ અસામાન્ય કે દુર્લભ નથી. જોકે, અભ્યાસો વચ્ચે નોંધપાત્ર તફાવત હોવાથી આ આંકડાને દરેક દેશ અને દરેક વયજૂથ માટે એકસરખો નિયમ માનવો નહીં.
ક્યારેક આ અનુભવ બીમારીનો સંકેત પણ હોઈ શકે!
2015માં પ્રકાશિત એક કેસ આધારિત સંશોધનમાં ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ (EEG) દ્વારા ડેજા વૂ દરમિયાન મગજની વિદ્યુત પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંશોધનમાં વાઈના દર્દીઓમાં જમણા ટેમ્પોરલ લોબ વિસ્તારમાં અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિ નોંધાઈ હતી. બીજી તરફ, તંદુરસ્ત વ્યક્તિઓમાં સામાન્ય ડેજા વૂ દરમિયાન આવી વાઈસંબંધિત પ્રવૃત્તિ જોવા મળી નહોતી. આથી સમજાય છે કે વારંવાર થતો ડેજા વૂ ક્યારેક ટેમ્પોરલ લોબ એપિલેપ્સી નામની વાઈના પ્રકાર સાથે પણ જોડાયેલો હોઈ શકે છે.
ચિંતા ક્યારે કરવી?
ક્યારેક થોડી સેકન્ડ માટે ડેજા વૂ અનુભવાય અને પછી વ્યક્તિ સામાન્ય રહે તો સામાન્ય રીતે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ વારંવાર એકસરખો અનુભવ થવો, તેની સાથે અચાનક ભય, પેટમાં વિચિત્ર લાગણી, ગૂંચવણ, બેભાન થવું કે શરીરમાં ઝટકા આવવા જેવા લક્ષણો હોય તો ન્યુરોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. જરૂર જણાય તો ઈઈજી અને અન્ય તપાસ કરવામાં આવે છે.
અમેરિકાની વિશ્વવિખ્યાત આરોગ્ય સંસ્થા ક્લીવલેન્ડ ક્લિનિક (Cleveland Clinic) ના ન્યુરોલોજિસ્ટ ડૉ. જીન ખૌરીના જણાવ્યા મુજબ, "ડેજા વૂ એ ઓળખાણનો એક ખોટો અહેસાસ છે. તમારું મગજ એવી સંવેદના ઊભી કરે છે કે જાણે તમે પહેલાં પણ આ જ પરિસ્થિતિમાં રહી ચૂક્યા છો, પરંતુ હકીકતમાં એવું હોતું નથી—જેના કારણે તમે તેને તમારી યાદશક્તિમાંથી શોધી શકતા નથી."
આખરે, ડેજા વૂ એ મગજની યાદશક્તિ અને ઓળખાણ વચ્ચે થતી એક રસપ્રદ ગેરસમજ હોઈ શકે છે. ક્યારેક મગજ આપણને એવું અનુભવ કરાવે છે કે આપણે કોઈ ક્ષણ પહેલાં જીવી ચૂક્યા છીએ, જ્યારે હકીકતમાં એ ક્ષણ પહેલી જ વાર જીવાઈ રહી હોય છે!