ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે, 21 નવેમ્બરે OBC મોરચાના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ અને કાર્યસમિતિના સભ્યોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલનું નામ પણ સામેલ છે. તેમને રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના બે નેતાઓને પણ OBC મોરચામાં રાષ્ટ્રીય સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાતના દશરથજી ઠાકોરને OBC મોરચાના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે મહેન્દ્રભાઈ જુંગીને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આમ, ગુજરાતના બે નેતાઓને પણ સંગઠનમાં મહત્ત્વની જવાબદારી મળી છે. ભાજપે OBC મોરચા માટે વિવિધ રાષ્ટ્રીય પદો પર નવી નિયુક્તિઓ કરી છે. તેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મંત્રી, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી અને રાષ્ટ્રીય સહ-કાર્યાલય મંત્રી સહિતનાં પદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મીડિયા સંયોજક, સોશિયલ મીડિયા સંયોજક અને સહ-સંયોજક, નીતિ અને શોધ સંયોજક તથા સહ-સંયોજકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે.
ભાજપમાં નવી જવાબદારી મળતાં પહેલાં યુઝવેન્દ્ર ચહલે OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરપાલ મૌર્ય સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તેમને કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. ભાજપે રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે કુલ 37 સભ્યોનાં નામ જાહેર કર્યાં છે. આ ઉપરાંત સાત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, બે રાષ્ટ્રીય મહામંત્રી અને સાત રાષ્ટ્રીય સચિવની પણ નિયુક્તિ કરવામાં આવી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશ પર કરવામાં આવેલી આ તમામ નિયુક્તિઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.