સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ખાસ કરીને કંડમ અને જૂની બસોમાં પૂરતા જાળવણીના અભાવે સર્જાતી આવી ઘટનાઓને કારણે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે મંગળવારે સહારાદરવાજા વિસ્તારમાં રસ્તા પર મુસાફરોથી ભરેલી દોડતી એક બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બસમાં સવાર મુસાફરોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે સહારાદરવાજા બ્રિજ નીચે પાલીકાની એક સીટી બસ મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક બસના એન્જિનના ભાગમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. બસમાં આગ લાગ્યાની જાણ થતાં જ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને મુસાફરો ઉતાવળે બસમાંથી નીચે ઉતરી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં માનદરવાજા ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર સબ ઓફિસર ભૂપેન્દ્ર રાજે જણાવ્યું હતું કે, બસના એન્જિનના ભાગમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ઉલ્લેખનીય છે કે, એસએમસીની જૂની બસોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં બસોની જાળવણી અને સમયસર તપાસ કેટલી અસરકારક રીતે થાય છે તે સવાલ છે. જાહેર પરિવહન સેવામાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી બસોની નિયમિત તકનીકી તપાસ અને યોગ્ય જાળવણી થાય તે અત્યંત જરૂરી બન્યું છે.
લાંબા રૂટ ઉપર દોડતી બસો વધુ જોખમી
સહારા દરવાજા બ્રિજ નીચે આજે જે બસ સળગી હતી તે સારોલીથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જઈ રહી હતી.ફાયર સબ ઓફિસર ભૂપેન્દ્ર રાજે જણાવ્યું હતુ કે લાંબા રૂટ ઉપરની બસોમાં અવારનવાર આગ લાગે છે.બસોમાં અ પુરતા મેન્ટેનેન્સ ને કારણે ભુતકાળમાં પણ અનેક વાર આવા બનાવો બન્યા હોવાનુ પ્રકાશમાં આવ્યું છે.આજે આગ લાગવાને કારણે બસ સંપુર્ણ સળગી ગઈ હતી,બસની ચેચીસ તથા એન્જીન જ બચી ગયું હતુ.