સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સણિયા હેમદ–કતારગામ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોના મુદ્દે ભારે હોબાળો થયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો ઊભાં કરી દેવામાં આવ્યાં છે. આ મામલે છેલ્લા ચાર વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મનપાના અધિકારીઓ યોગ્ય જવાબ આપતા ન હોવાના આક્ષેપ સાથે એક અરજદાર ભારે રોષે ભરાયો હતો અને તેણે કચેરીના પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે રહેણાંક વિસ્તારમાં થયેલાં ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશનના આદેશો હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અરજદારોમાં નારાજગી વધી રહી છે. અરજદારોનો એવો પણ આક્ષેપ છે કે મનપા કચેરીમાં અધિકારીઓ તેમની સમસ્યા સાંભળીને યોગ્ય જવાબ આપવાને બદલે એકબીજા પાસે મોકલતા રહે છે.
લાંબા સમયથી ન્યાય ન મળતો હોવાની લાગણી વચ્ચે અરજદારનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તેણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમારું કામ થતું ન હોય તો અમારે નીચે પડીને મરી જવું?” આ ઘટનાને પગલે મનપા કચેરીમાં હોબાળો મચી ગયો હતો. ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં વિલંબ થતો હોવાના આક્ષેપને કારણે મહાનગરપાલિકાના તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે સ્થાનિકોએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને હસ્તક્ષેપ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. હવે ગેરકાયદે બાંધકામો સામે તંત્ર શું કાર્યવાહી કરે છે અને વર્ષોથી રજૂઆતો કરતા સ્થાનિકોને ક્યારે ન્યાય મળે છે તેના પર સૌની નજર છે.