સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં 12 ઓક્ટોબરે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અહીં ભાજપના મહિલા મોરચાની કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા દેશભરમાં કરવામાં આવી રહેલા વિરોધના જવાબમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્ર થઈ હતી. આ દરમિયાન ઉગ્ર સૂત્રોચ્ચાર થતાં વાતાવરણ ગરમાયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ થતાં વિરોધ કરી રહેલી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ મક્કાઈપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરચો લઈને પહોંચી હતી. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ ‘હાય રે કોંગ્રેસ હાય હાય’, ‘હાય રે પપ્પુ હાય હાય’ અને ‘રાહુલ તેરી તાનાશાહી નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થતાં આસપાસના વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
પરિસ્થિતિ વધુ તંગ બને તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક બંદોબસ્ત વધારી દીધો હતો. કોંગ્રેસ કાર્યાલયની આસપાસ પોલીસનો કાફલો ગોઠવી સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ભાજપની મહિલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસે બેરિકેડ્સ લગાવી તેમને અટકાવી હતી. આ દરમિયાન કાર્યાલયની બહાર વિરોધ કરી રહેલી ભાજપની મહિલા કાર્યકર્તાઓ અને અંદર હાજર કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર અને શાબ્દિક ટકરાવ થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા દરમિયાન પોલીસ અને ભાજપની મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થિતિ વણસતી જણાતાં પોલીસે વિરોધ કરી રહેલી ભાજપની મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડ્યાં હતાં. ઘટનાને પગલે કોંગ્રેસ કાર્યાલયની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન અને અટકાયત બાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક રહી હતી.