સરકારી કર્મચારીને બોમ્બે હાઈકોર્ટનો ₹10 હજારનો દંડ
લખિત પરવાનગી વિના કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરનાર કર્મચારી સામે કડક કાર્યવાહી; ડિલીટ કરેલો વીડિયો પણ IT વિભાગે શોધી કાઢ્યો, મોબાઇલ જપ્ત કરીને નષ્ટ કરવાનો આદેશ,મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે કોર્ટરૂમમાં મોબાઇલથી કોર્ટની કાર્યવાહીનું અનધિકૃત વીડિયો રેકોર્ડિંગ કરવાના મામલે સરકારી કર્મચારી સામે કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે કોર્ટની કાર્યવાહી દરમિયાન એક સરકારી કર્મચારી મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરતો ઝડપાયો હતો. કોર્ટની મંજૂરી વિના રેકોર્ડિંગ કરનાર આ કર્મચારી પર હાઈકોર્ટે ₹10,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ તેનો મોબાઇલ ફોન જપ્ત કરીને તેમાં રહેલો ખાનગી ડેટા કાઢી નાખ્યા બાદ ફોન નષ્ટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને ડૉ. નીલા ગોખલેની બેન્ચ કોર્ટરૂમમાં સુનાવણી કરી રહી હતી. બેન્ચનું ધ્યાન પાછળની હરોળમાં બેઠેલા એક વ્યક્તિ તરફ ગયું. તેના મોબાઇલનો ફ્લેશ ચાલુ હતો, જેના કારણે કોર્ટને શંકા થઈ કે તે કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. પૂછપરછ દરમિયાન તેની ઓળખ દિલીપ વાઘ તરીકે થઈ હતી. તેઓ શિક્ષણ નિરીક્ષકની ઓફિસમાં કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ બાબત એ હતી કે તે દિવસે તેમનો કોઈ કેસ કોર્ટમાં સૂચિબદ્ધ પણ નહોતો.કોર્ટની નજરમાં આવ્યા બાદ દિલીપ વાઘે પોતાના મોબાઇલમાંથી બનાવેલો વીડિયો ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વીડિયો ડિલીટ કરી દેવાથી મામલો ત્યાં જ અટક્યો નહોતો.
કોર્ટના IT વિભાગે મોબાઇલમાંથી ડિલીટ કરવામાં આવેલ વીડિયો પણ રિકવર કરી લીધો હતો. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ વધુ ગંભીર બન્યો હતો. બેન્ચે નોંધ્યું કે કોર્ટની પરવાનગી વિના કરવામાં આવેલી આવી રેકોર્ડિંગનો બાદમાં સોશિયલ મીડિયા પર ખોટી રીતે ઉપયોગ અથવા રજૂઆત થઈ શકે છે.બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટની કાર્યવાહી રેકોર્ડ કરવા માટે લેખિત પરવાનગી જરૂરી છે. બેન્ચે જણાવ્યું કે મંજૂરી વિના કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવું લાઇવ-સ્ટ્રીમિંગ અને રેકોર્ડિંગ સંબંધિત નિયમોના નિયમ 9.2 અને 9.3નું ઉલ્લંઘન છે. કોર્ટએ સરકારી કર્મચારી હોવાના કારણે દિલીપ વાઘ પર નિયમોનું પાલન કરવાની વધુ જવાબદારી હોવાનું પણ નોંધ્યું હતું. બેન્ચે કોર્ટની કાર્યવાહી સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અનધિકૃત રીતે શેર થવાના વધતા બનાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે પોતાના આદેશમાં દિલીપ વાઘનો મોબાઇલ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મોબાઇલમાં રહેલા વ્યક્તિગત ડેટાને રજિસ્ટ્રાર (Judicial-I) અને IT વિભાગની હાજરીમાં ડિલીટ કરવામાં આવશે અને ત્યારબાદ મોબાઇલ નષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વાઘને બે અઠવાડિયાની અંદર મુંબઈ સ્થિત હાઈકોર્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના સચિવ પાસે ₹10 હજાર જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ દંડની રકમ સમયસર જમા નહીં કરે તો આ રકમ તેમના પગારમાંથી વસૂલવામાં આવશે.
હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં આવી હરકત ફરી કરવામાં આવશે તો વધુ કડક કાયદેસરની કાર્યવાહી અને કોર્ટની અવમાનનાની કાર્યવાહી પણ થઈ શકે છે. આ નિર્ણય દ્વારા બોમ્બે હાઈકોર્ટે કોર્ટરૂમની ગોપનીયતા, શિસ્ત અને ન્યાયિક પ્રક્રિયાની ગંભીરતા અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કોર્ટની કાર્યવાહી સંબંધિત વીડિયો અને તેના સોશિયલ મીડિયા પર અનધિકૃત ઉપયોગ અંગે દેશની અદાલતો વધુ સાવચેત બની રહી છે. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ પૂર્વ મંજૂરી વિના કોર્ટ કાર્યવાહીનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પોસ્ટ, રિપોસ્ટ, પ્રસારિત અથવા મોનેટાઇઝ કરવા અંગે કડક વલણ દર્શાવ્યું છે.