India

સવારે માર્ચ, સાંજે ધરણા અને રાત્રે અટકાયત CEC સામે રાહુલ ગાંધીનું મેગા પ્રદર્શન

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત; SIR પ્રક્રિયા અને CEC જ્ઞાનેશ કુમાર સામે ઉઠાવ્યા સવાલો

6 ઓક્ટોબર 2026ના રોજ દિલ્હીમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ INDIA બ્લોક દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ તરફ માર્ચ કાઢ્યો હતો. વિપક્ષની મુખ્ય માંગ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે ચર્ચા કરવાની હતી. તેમજ રાહુલ ગાંધી સહિતના નેતાઓ ચૂંટણી પંચ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચૂંટણી પંચની ઓફિસથી આશરે 400 મીટર પહેલાં જ બેરિકેડ લગાવીને માર્ચ રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ બેરિકેડ પાસે જ બેસી ગયા અને ધરણું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર્યકરો દ્વારા “વોટ ચોર, ગદ્દી છોડ” સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીના હાથમાં એક પોસ્ટર પણ જોવા મળ્યું હતું, જેના પર “Gyanesh, It’s Done Bro” લખેલું હતું.

વિરોધ દરમિયાન રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ પર ચઢી ગયા હતા અને હાથમાં તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ તેઓ આકાશવાણી ભવનના રિસેપ્શન ગેટ તરફ આગળ વધ્યા હતા. સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેઓ પોતાના સુરક્ષાકર્મીઓ સાથે આકાશવાણી ભવનના પરિસરમાં પ્રવેશ્યા હતા. થોડા સમય બાદ પ્રિયંકા ગાંધી પણ ત્યાં પહોંચી ગયા હતા અને પોતાના ભાઈ સાથે વિરોધમાં જોડાયા હતા.રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ આકાશવાણી ભવનના ગેટ નંબર 4 નજીક એક ઝાડ નીચે બેસી ગયા હતા અને ત્યાં ધરણું શરૂ કર્યું હતું. ધીમે ધીમે અન્ય કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પણ તેમની સાથે જોડાતા ગયા હતા. લાંબા સમય સુધી ચાલેલા વિરોધને ધ્યાનમાં રાખીને સ્થળ પર ગાદલા અને મેટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યકરો દ્વારા પાણી અને ખાવા-પીવાની વસ્તુઓ પણ પહોંચાડવામાં આવી હતી.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યાં સુધી ચૂંટણી પંચ INDIA બ્લોકના સાંસદો સાથે મુલાકાત નહીં કરે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે વિપક્ષ પોતાના પ્રશ્નો સીધા ચૂંટણી કમિશનરો સમક્ષ રજૂ કરવા માંગે છે. કોંગ્રેસનું કહેવું છે કે મતદાર યાદી અને SIR પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ અને મતદારોના અધિકારોનું રક્ષણ થવું જોઈએ.બીજી તરફ ચૂંટણી પંચે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા હતા. ચૂંટણી પંચ તરફથી જણાવાયું હતું કે મંગળવાર સાંજ સુધી કોઈ રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર રીતે મુલાકાત માટે સમય માંગવામાં આવ્યો નહોતો. ત્યારબાદ દિલ્હી પોલીસ પાસેથી રાહુલ ગાંધીની આગેવાનીમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ મુલાકાત લેવા માંગે છે તેવી માહિતી મળી હતી.

ચૂંટણી પંચે પ્રોટોકોલ મુજબ પરસ્પર સંમતિથી મુલાકાતનો સમય નક્કી કરવાની વાત કહી હતી.આ સમગ્ર વિરોધ લગભગ આઠથી નવ કલાક સુધી ચાલ્યો હતો. રાત્રે દિલ્હી પોલીસે આકાશવાણી ભવન પરિસરમાંથી પ્રદર્શનકારીઓને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. અંતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. અખિલેશ યાદવ સહિત INDIA બ્લોકના અન્ય નેતાઓને પણ દિવસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ વિરોધનું મુખ્ય કેન્દ્ર મતદાર યાદીની SIR પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી રહી હતી. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં ગેરરીતિ થઈ રહી છે, જ્યારે ચૂંટણી પંચ અને ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે. 6 ઓક્ટોબરનો આ વિરોધ હવે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, મતદાર યાદી અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે ચાલી રહેલા રાજકીય વિવાદને વધુ ઉગ્ર બનાવનાર ઘટનાના રૂપમાં સામે આવ્યો છે.

Most Popular

To Top