Science & Technology

અંતરિક્ષમાં નવી સ્પર્ધા, ચંદ્ર પર ન્યુક્લિયર રિએક્ટર માટે અમેરિકા-ચીન-રશિયાની તૈયારી

આજના સમયમાં વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે ચંદ્ર પર પોતાના કાયમી પગપેસારો કરવાની હોડ તેજ થઈ ગઈ છે. એક નવા અહેવાલ અનુસાર, અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો ચંદ્ર પર ન્યુક્લિયર (પરમાણુ) રિએક્ટર સ્થાપિત કરવા માટે રેસમાં ઉતરી આવ્યા છે. આ દેશોનું માનવું છે કે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટ, અવકાશ સંશોધન અને સ્પેસ મિશન માટે પરમાણુ ઊર્જા અત્યંત આવશ્યક સાબિત થશે. અહેવાલ મુજબ, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ડિસેમ્બર 2030 સુધીમાં ચંદ્ર પર તેનું પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવની આસપાસ એક એવું રિએક્ટર સ્થાપિત કરવા માંગે છે જે કોઈપણ મેન્ટેનન્સ વગર લાંબા સમય સુધી કાર્યરત રહી શકે. બીજી તરફ, રશિયા અને ચીન પણ સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2036 સુધીમાં ચંદ્ર પર ‘સેલેના’ (Selena) નામનું ન્યુક્લિયર રિએક્ટર વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે, જે ચીનના ચંદ્ર સ્ટેશનોને વીજળી પૂરી પાડશે.

ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા માટે સતત અને ભરપૂર વીજળીની જરૂર પડે છે. સોલાર પેનલ દિવસના સમયે વીજળી આપી શકે છે, પરંતુ ચંદ્ર પર એક રાત પૃથ્વીના બે અઠવાડિયા જેટલી લાંબી ચાલે છે. આવી સ્થિતિમાં માત્ર સોલાર એનર્જી પર આધાર રાખવો મુશ્કેલ બને છે. પરમાણુ રિએક્ટર સૂર્યપ્રકાશ વિના પણ અવિરતપણે કામ કરી શકે છે અને માનવીય હસ્તક્ષેપ વિના લાંબા સમય સુધી વીજળી પૂરી પાડી શકે છે. નાસાનું પ્રસ્તાવિત રિએક્ટર 20 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરશે, જ્યારે રશિયાનું ‘સેલેના’ રિએક્ટર 10 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સામે કેટલાક ગંભીર સુરક્ષા જોખમો પણ ઊભા થયા છે. વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો લોન્ચિંગ દરમિયાન રોકેટફેલ જાય, તો કિરણોત્સર્ગી સામગ્રી ફેલાઈ શકે છે. આ ઉપરાંત, ચંદ્ર પર રિએક્ટરની જાળવણી કરવી અત્યંત પડકારજનક રહેશે અને અવકાશયાત્રીઓની સુરક્ષા માટે રિએક્ટરની આસપાસના વિસ્તારને પ્રતિબંધિત કરવો પડી શકે છે. આ રેસને કારણે ‘ચંદ્રની માલિકી’ અને તેના સંસાધનોના ઉપયોગને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. ૧૯૬૭ની આઉટર સ્પેસ ટ્રીટી મુજબ કોઈપણ દેશ ચંદ્ર પર પોતાની માલિકી દાવો કરી શકે નહીં. પરંતુ સુરક્ષાના નામે પ્રતિબંધિત ક્ષેત્રો બનાવવાને લઈને કાનૂની વિવાદો શરૂ થઈ ગયા છે. હાલમાં આ તમામ દેશોએ ટેકનિકલ અને સુરક્ષા પડકારોને પાર કરીને પોતાના પ્રોજેક્ટ સાબિત કરવાના બાકી છે.

Most Popular

To Top