Gujarat

ઇસ્કોન બ્રિજ પાસે ફૂલ સ્પીડમાં ડિઝાયર બેકાબૂ, BMW સહિત 3 કારને ટક્કર, દારૂના નશામાં PSIનો અકસ્માત

અમદાવાદમાં મોડી રાત્રે અલગ-અલગ વિસ્તારોમાં બનેલી અકસ્માતની ત્રણ ઘટનાઓને પગલે હડકંપ મચ્યો હતો. ઇસ્કોન બ્રિજ પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પાર્ક કરેલી BMW સહિત ત્રણ કારને અડફેટે લીધી હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે અકસ્માત બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયેલો કારચાલક ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ સાબરમતી વિસ્તારમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ કથિત રીતે દારૂના નશામાં પોતાની ક્રેટા કારથી અકસ્માત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. તેમની કારની ડેકીમાંથી નાની-મોટી મળીને આશરે 9 દારૂની બોટલો મળી આવી હોવાનું જણાવાયું છે. સ્થાનિકોએ ઘટનાનો વીડિયો બનાવી પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને PSI તથા તેમની કારને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

ઇસ્કોન બ્રિજ પાસે બનેલી ઘટનામાં સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ38 BC 1018માં કુલ છ યુવકો સવાર હતા. કારચાલકની ઓળખ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હિમાંશુ તરીકે થઈ છે. તે પોતાના મિત્ર પાસેથી કાર લઈને આવ્યો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ તરફ આવી રહેલી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. બ્રિજ પાસે પહોંચતા જ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર બેકાબૂ બનીને ચક્કર મારતી સર્વિસ રોડ તરફ ગઈ અને ત્યાં પાર્ક કરેલી કારોને ટક્કર મારી હતી.

અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કરેલી ઈનોવા કારને પણ નુકસાન થયું હતું. ઈનોવા આગળ ઉભેલી i20 કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રિવર્સ થઈને ત્યાં રહેલી BMW કાર સાથે પણ ભટકાઈ હતી. અકસ્માત સમયે BMWમાં તેનો ચાલક હાજર હતો, પરંતુ સદનસીબે તેને કોઈ ઈજા થઈ નહોતી. સ્વિફ્ટ ડિઝાયરના સાઇડના ભાગમાં પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માતના ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પહોંચે તે પહેલાં જ હિમાંશુને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

CCTV ફૂટેજમાં સમગ્ર અકસ્માતની ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તેમાં પૂરપાટ ઝડપે આવતી કાર અચાનક કાબૂ ગુમાવી દિશા બદલે છે અને એક પછી એક વાહનો સાથે અથડાય છે. હિમાંશુએ પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જાયો હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે. એસજી-2 ટ્રાફિક પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ સાબરમતીમાં બનેલી ઘટનામાં ટ્રાફિક વિભાગના PSI ભરત પંડ્યાની ક્રેટા કાર નંબર GJ04 DA 6745 અકસ્માતનો ભોગ બની હતી. ત્રાગડ રબારી વાસના નાકા પાસે PSIએ કથિત રીતે દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત કર્યો હતો. સ્થાનિકોએ PSI પંડ્યાને ઘેરી લીધા હતા અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ PSI ભરત પંડ્યા અને તેમની ક્રેટાને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ દરમિયાન PSIની કારની ડેકીમાંથી આશરે 9 નાની-મોટી દારૂની બોટલો મળી આવી હતી. આ મામલે નશાની હાલતમાં વાહન ચલાવવાનો અને કારમાંથી દારૂની બોટલો મળવાનો મુદ્દો લઈને અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે.

PSI પંડ્યાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે તેઓ યોગ્ય રીતે ઊભા પણ રહી શકતા ન હોવાનું સામે આવ્યું હતું. મીડિયા સામે તેમને લાવવાની વાત કરવામાં આવી ત્યારે તેઓ બહાર આવવાને બદલે અંદરની તરફ જતા રહ્યા હતા. સામાન્ય રીતે આરોપીને લોકઅપમાં રાખવામાં આવે છે, પરંતુ આ કેસમાં PSI હોવાથી તેમને પોલીસ સ્ટેશનના રૂમમાં બેસાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. PSI ભરત પંડ્યા છેલ્લા નવ મહિનાથી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. પોલીસે તેમની કારમાંથી મળેલી દારૂની બોટલો ક્યાંથી આવી, તે કોણે ખરીદી અને તે માત્ર પોતાના ઉપયોગ માટે હતી કે અન્ય કોઈને આપવાની હતી, તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

PSI પંડ્યા અગાઉ પણ વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરી લારીઓ ઊંધી પાડી દીધી હોવાના આક્ષેપો સાથે વીડિયો સામે આવ્યો હતો. આ ઉપરાંત થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરવા બદલ મારવાની ધમકી આપી હોવાનો પણ મામલો સામે આવ્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ બંને અકસ્માત વચ્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નરોડા ફૂટ માર્કેટ પાસે રાત્રે આશરે 3 વાગ્યે નરોડાથી કાલુપુર તરફ જઈ રહેલા એક ટ્રાન્સપોર્ટ ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક BRTS ટ્રેકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો હતો.

ટ્રકની ટક્કરથી ફૂટ માર્કેટ બસ સ્ટેશન નજીક એક સ્ટીકર પોલ સહિત આશરે 10 જેટલી રેલિંગને ભારે નુકસાન થયું હતું. સદનસીબે ઘટના મોડી રાત્રે બની હોવાથી તે સમયે રસ્તા પર અને બસ સ્ટેશન પાસે ભીડ ઓછી હતી, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. અમદાવાદમાં એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ અકસ્માતની ઘટનાઓએ બેફામ ઝડપ, નશામાં ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોના પાલનને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જાહેર રસ્તા પર પૂરપાટ ઝડપે વાહનો ચલાવવાના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાય છે. હવે પોલીસ દ્વારા આ તમામ મામલામાં CCTV, વાહનો અને અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top