Charotar

મહિપતસિંહ ચૌહાણના પુત્ર અને અન્ય જૂથ વચ્ચે મારામારી, લોખંડની પાઇપો ઉછળી

માતરના લવાલ ગામમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે હિંસક ધીંગાણું
સોશિયલ મીડિયામાં સમાજસેવાની રીલ્સ મુકવા અને યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી બાબતોમાં બબાલ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.28
ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામમાં 26 સપ્ટેમ્બર 2026 ની રાત્રે બે અલગ અલગ જૂથો વચ્ચે જૂની અદાવત અને સામાન્ય બાબતોને લઈને હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બંને પક્ષના યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
લવાલ ગામમાં રહેતા અને નડિયાદની કોલેજમાં અભ્યાસ કરતા મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમની ધર્મની માનેલી બહેનને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ યુવતીની જ કોલેજમાં અભ્યાસ કરતા જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણને આ વાતની જાણ થતા તેણે અદાવત રાખી હતી. શનિવારે રાત્રે 9 વાગ્યાના સુમારે મહાવીરસિંહ ગામના બગીચામાં બેઠા હતા ત્યારે જયપાલસિંહ અને તેના અન્ય સાગરીતો જેમાં કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળાએ ગાળો બોલી હુમલો કર્યો હતો અને કૃષ્ણપાલસિંહે લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમયે અન્ય લોકો આવી જતા મહાવીરસિંહને વધુ માર પડતો બચાવી લેવાયા હતા અને તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સામા પક્ષે 20 વર્ષીય મહિપતસિંહ ચૌહાણના દિકરા કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પિતા ફાઉન્ડેશન ચલાવી સમાજસેવાનું કામ કરે છે અને કૃષ્ણપાલસિંહ આ સેવાકીય પ્રવૃત્તિઓની રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. આ બાબતે ગામના મહાવીરસિંહ અને અન્ય લોકોને અદાવત હતી અને તેઓ અવારનવાર રીલ્સ ન મૂકવા બાબતે ઝઘડો કરતા હતા. શનિવારે રાત્રે કૃષ્ણપાલસિંહ ગામના ગેટ પાસે ઉભા હતા ત્યારે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યા હતા. તેમની સાથે હંસરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા, જયપાલસિંહ અજીતસિંહ ચૌહાણ, રોનકસિંહ મહેન્દ્રસિંહ મહીડા, વિશાલ જોરૂભા ચૌહાણ, ધ્રુવરાજ ભરતસિંહ વાઘેલા, કિશોરસિંહ મનુભાઈ ચૌહાણ, મહેન્દ્રસિંહ તખુભા મહિડા અને ચંદ્રસિંહ નટવરસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા.
આ તમામ લોકોએ એક સંપ થઈને સમાજસેવાની રીલ્સ કેમ મૂકો છો તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી અને મહાવીરસિંહે ઉશ્કેરાઈને પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથાના જમણી બાજુના ભાગે ફટકારી દીધી હતી. આ ઉપરાંત ટોળાએ ભેગા મળીને ગડદાપાટુનો માર પણ માર્યો હતો. બુમાબુમ થતા કૃષ્ણપાલસિંહના કાકા મુકેશકુમાર અને મિત્ર રાજવીરસિંહ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કૃષ્ણપાલસિંહને ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. માતર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top