યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને આક્રમક દાવો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, તેમણે યુએસ સૈન્ય અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થઈ જશે, તો ઈરાન પર એટલા મોટા પાયે બોમ્બમારો કરવામાં આવે જેવો ઈતિહાસમાં ક્યારેય જોયો ન હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ અને મીડિયા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે અમેરિકાની સૈન્ય શક્તિનો પરિચય આપતા ઈરાનને ધમકાવ્યું છે.
“1000 મિસાઈલો તૈયાર છે, ઈરાન સંપૂર્ણ તબાહ થઈ જશે”
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકાના લશ્કરી પ્લાનનો ખુલાસો કરતા લખ્યું છે:
• ટાર્ગેટ પર ઈરાન: હાલમાં અમેરિકાની 1000 થી વધુ મિસાઈલો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન તરફ નિશાન સાધીને એકદમ તૈયાર ઊભી છે. જો ઈરાન તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિને નુકસાન પહોંચાડવાનો સહેજ પણ પ્રયાસ થશે, તો હજારો મિસાઈલો તરત જ દાગી દેવામાં આવશે.
આદેશ અપાઈ ચૂક્યા છે: ટ્રમ્પે દાવો કર્યો છે કે આ અંગેના સત્તાવાર ઓર્ડર યુએસ આર્મીને પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે. અમેરિકન મિલિટ્રી આગામી એક વર્ષ સુધી ઈરાનના તમામ વિસ્તારોને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ અને તૈયાર છે.
“લાંબા સમયથી હું ઈરાનની ‘ હિટ લિસ્ટ’ માં નંબર વન છું”
તાજેતરમાં ઈઝરાયેલ તરફથી ગુપ્તચર અહેવાલો આવ્યા હતા કે ઈરાનની હિટ લિસ્ટમાં ટ્રમ્પનું નામ સૌથી ઉપર છે. જોકે, ટ્રમ્પે ઈઝરાયેલ તરફથી આવો કોઈ ઈનપુટ મળ્યો હોવાનો ઈનકાર કર્યો હતો. તેમણે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ના, ઈઝરાયેલ આવો કોઈ રિપોર્ટ લાવ્યું નથી. આ તો જૂની વાત છે, હું ખૂબ લાંબા સમયથી ઈરાનની હિટ લિસ્ટમાં નંબર-1 પર રહ્યો છું અને આ જ જિંદગી છે.”ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જ્યારે પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન ઈરાનના ટોચના મિલિટ્રી ઓફિસર કાસિમ સુલેમાનીને એરસ્ટ્રાઈકમાં મારવાનો આદેશ આપ્યો હતો, ત્યારથી જ તેઓ ઈસ્લામિક રિપબ્લિકના મુખ્ય ટાર્ગેટ પર રહ્યા છે.
NATO સમીટ બાદ બદલવો પડ્યો રૂટ: ટ્રમ્પ થયા ભાવુક
અંકારા (તુર્કી) માં યોજાયેલી નાટો સમીટ બાદ અમેરિકા પરત ફરતી વખતે ટ્રમ્પના પ્રવાસના રૂટમાં અચાનક ફેરફાર કરવો પડ્યો હતો. વ્હાઇટ હાઉસે પાછળથી સ્વીકાર્યું હતું કે રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક ખાસ ‘સિક્યોરિટી ટેક્ટિક’ હતી. આ સમીટ દરમિયાન એક કોન્ફરન્સમાં ટ્રમ્પે ભાવુક અંદાજમાં પત્રકારોને કહ્યું હતું કે, “તેમના (ઈરાનના) જૂના લીડર્સ રહ્યા નથી, નવા આવ્યા એ પણ રહ્યા નથી, હવે ત્રીજું ગ્રુપ છે તે છે કે નહીં કોણ જાણે! પરંતુ એક દિવસ હું પણ ચાલ્યો જઈશ, કારણ કે હું તેમનો નંબર વન ટાર્ગેટ છું. મેં આજે સવારે જ એક અહેવાલ જોયો કે હું તેમની દરેક હિટ લિસ્ટમાં સામેલ છું. અત્યાર સુધી કદાચ નસીબ સારું રહ્યું છે, પણ ખબર નહીં આ ક્યાં સુધી ચાલશે.” તેમણે હસતા હસતા એમ પણ ઉમેર્યું કે, “મને આશા છે કે તમે લોકો મને મિસ કરશો.”