મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલા મોટા રાજકીય ઝટકા બાદ હવે ફરી સક્રિય રાજકીય મૂડમાં જોવા મળી રહ્યા છે. બંગાળમાં પરાજય બાદ મમતાએ INDIA ગઠબંધનને ફરી મજબૂત બનાવવા માટે “રીસેટ બટન” દબાવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં તેમણે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવવાની માંગ કરી છે, જેના કારણે રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી હતી અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે 200થી વધુ બેઠકો જીતી સત્તા કબજે કરી હતી, જ્યારે TMCને મોટો ફટકો પડ્યો હતો. આ ચૂંટણીમાં મમતા બેનર્જી પોતાનો ભબાનીપુર બેઠક પણ ગુમાવી બેઠા હતા, જ્યાં તેઓ ભાજપના સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.ચૂંટણી પરિણામો બાદ મમતાએ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર દ્વારા “નાસ્ટી ગેમ” રમાઈ હતી અને ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ હતી. મમતાનું કહેવું હતું કે TMC હારી નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી હતી.
પરાજય બાદ હવે મમતાએ INDIA ગઠબંધનના સાથી પક્ષોને ફરી એક મંચ પર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કોંગ્રેસ, DMK, સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષો સાથે સંકલન વધારવા અંગે ચર્ચાઓ તેજ બની છે. જો કે રિપોર્ટ અનુસાર, ગઠબંધનની અંદર ચાલી રહેલી અસંતોષ અને મતભેદોને દૂર કરવા માટે મમતાએ બેઠકની માંગ કરી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે બંગાળમાં મળેલા ઝટકા બાદ મમતા હવે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માંગે છે. તેઓ ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં મમતાએ એવો દાવો પણ કર્યો હતો કે “દિલ્હીમાં ભાજપની સત્તા ટૂંક સમયમાં દૂર થશે.”
બીજી તરફ ભાજપે મમતાના આરોપોને ફગાવ્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે બંગાળની જનતાએ પરિવર્તન માટે મત આપ્યો છે અને TMC સરકાર સામે લોકોમાં ભારે નારાજગી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે બંગાળના લોકો વિકાસ અને સુરક્ષા ઈચ્છતા હતા, જેના કારણે ભાજપને મોટો જનસમર્થન મળ્યો. આ સાથે જ ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મમતાએ કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા તથા બાદમાં થયેલી હિંસા અંગે કાનૂની લડત શરૂ કરી છે. TMC દ્વારા કલકત્તા હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે INDIA ગઠબંધન માટે આ સમય સૌથી મહત્વનો બની શકે છે. જો વિરોધ પક્ષો એકજૂથ રહેશે તો તેઓ 2029ની લોકસભા ચૂંટણી માટે મજબૂત પડકાર ઉભો કરી શકે છે. જોકે ગઠબંધનની અંદર રહેલા મતભેદો અને નેતૃત્વના પ્રશ્નો હજુ પણ મોટો પડકાર માનવામાં આવી રહ્યા છે.