એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર મેટલ ડિટેક્ટર અને બેગ સ્કેનર બંધ હાલતમાં
કોઈ પણ રોકટોક વગર મુસાફરોની બિંદાસ અવરજવર, તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે?

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
ગુજરાતના સૌથી વ્યસ્ત અને મહત્વના રેલ્વે સ્ટેશનોમાં સ્થાન ધરાવતા વડોદરા રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષાને લઈને એક મોટો સવાલ ઉભો થયો છે. સ્ટેશન પર સુરક્ષાના નામે માત્ર દેખાડો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સલામતી માટે લાખો રૂપિયાના ખર્ચે આધુનિક મશીનરી વસાવવામાં આવી છે, પરંતુ આ તમામ સાધનો હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે કારણ કે તેનો કોઈ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
રેલ્વે સ્ટેશનના મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એટલે કે પ્રવેશ અને નિકાસ દ્વાર પર મુસાફરોના સામાનની તપાસ માટે લગાવવામાં આવેલા બેગ સ્કેનર અને શંકાસ્પદ વસ્તુઓની ઓળખ માટેના મેટલ ડિટેક્ટર મશીનો લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. સુરક્ષાના આધુનિક સાધનો બંધ હોવાને કારણે હજારોની સંખ્યામાં આવતા-જતા મુસાફરો કોઈપણ જાતની તપાસ વગર બિંદાસ રીતે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે અને બહાર નીકળી રહ્યા છે. મુસાફરોના સામાન કે તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કે તેમને અટકાવીને ચેક કરવા માટે ત્યાં કોઈ સુરક્ષાકર્મી પણ સક્રિય જોવા મળતું નથી. કોઈપણ રોકટોક વગર મુસાફરો કે અન્ય અસામાજિક તત્વો પણ સ્ટેશનની અંદર ગમે ત્યારે અવરજવર કરી શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. દેશમાં જ્યારે પણ સુરક્ષા એલર્ટ આપવામાં આવે છે ત્યારે રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળો સૌથી સંવેદનશીલ ગણાય છે, તેમ છતાં વડોદરા રેલ્વે તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી આ ઘોર બેદરકારી કોઈ મોટી આફતને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે શું રેલ્વે તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે અપ્રિય ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ મોટો હાદસો થયા પછી જ તંત્ર પોતાની કુંભકર્ણ નિદ્રામાંથી જાગશે? લાખો રૂપિયાના સરકારી નાણાંનો ધુમાડો કરીને વસાવેલી આ સિસ્ટમ કેમ બંધ રાખવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ચૂક માટે જવાબદાર કોણ છે, તેવા અનેક વેધક સવાલો અત્યારે મુસાફરો અને જનતામાં ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ ઉચ્ચ રેલ્વે સત્તાધીશો જાગીને તાત્કાલિક ધોરણે આ બંધ મશીનો ચાલુ કરાવે છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરે છે કે પછી પરિસ્થિતિ જસની તસ જ રહે છે.