વાસદ નજીક બનેલી કરુણ ઘટનાથી પંથકમાં અરેરાટી, આપઘાત પાછળનું રહસ્ય અકબંધ, પોલીસ તપાસ તેજ
(પ્રતિનિધિ), વડોદરા. તા.4
વડોદરા :- વાસદ નજીક પસાર થતી મહીસાગર નદી ફરી એકવાર મોતના મુખમાં ફેરવાઈ છે. સાંકરદા ગામના એક આશાસ્પદ 23 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ફાજલપુર બ્રિજ પરથી નદીના ઉંડા પાણીમાં મોતનો ભૂસકો મારતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા નજીક આવેલા સાંકરદા ગામના ફળિયામાં રહેતો રવીન્દ્રકુમાર તખતસિંહ ચાવડા ઉંમર 23 વર્ષ સોમવારે બપોરે પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળ્યો હતો. રવીન્દ્રકુમાર વાસદ તરફ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવક ફાજલપુર મહીસાગર બ્રિજ પર પહોંચ્યો હતો અને અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું.
બ્રિજ પરથી કોઈએ નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ નદીના ઉંડા પાણીમાંથી રવીન્દ્રકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતની ખબર તેના ઘરે પહોંચતા જ સાંકરદા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 23 વર્ષના જુવાનજોધ દીકરાના મોતે પરિવારને ભાંગી નાખ્યો છે.