National

અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ બાદ ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

અયોધ્યાના રાજઘાટ વિસ્તારમાં આવેલા યજ્ઞ સ્થળે લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ બાદ અચાનક ભીષણ આગ લાગી જવાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ યજ્ઞ છેલ્લા 9 દિવસથી ચાલી રહ્યો હતો અને તેની પૂર્ણાહુતિ ગઈકાલે કરવામાં આવી હતી. આજે યજ્ઞના સમાપન કાર્યક્રમ દરમિયાન અજ્ઞાત કારણોસર આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડા સમય માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી, પરંતુ ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ મહાયજ્ઞનું આયોજન સ્વામી જીયર જી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. યજ્ઞનું આયોજન દયાશંકર સિંહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

જોકે, મંત્રીના જણાવ્યા મુજબ, આગ લાગતી વખતે યજ્ઞશાળા ખાલી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હવન દરમિયાન તેજ પવનને કારણે ચિંગારી ઉડીને આગ લાગી હોઈ એવું બની શકે. ખાસ વાત એ છે કે 108 કુંડીય મહાયજ્ઞના સમાપન બાદ ત્રણ અલગ-અલગ જગ્યાએ આગ લાગી હતી, જેમાંથી એક સ્થળ મુખ્ય યજ્ઞશાળાથી આશરે 700 મીટર દૂર હોવાનું જણાવાયું છે.આ ઘટનામાં 3થી 4 લોકો દાઝ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જિલ્લા પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. જિલ્લા અધિકારી નિખિલ ટીકારામ ફંડેએ જણાવ્યું કે હાલ તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર હાજર રહીને જરૂરી મદદ પૂરી પાડી રહી છે. તેમજ ડૉ. ગૌરવ ગ્રોવરએ જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top