Halol

હાલોલમાં વર્ષ પ્રતિપદા નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શિસ્તબદ્ધ પથ સંચલન, દેશભક્તિના સ્વરો સાથે ગૂંજી ઉઠ્યું નગર

પૂર્ણ ગણવેશમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરી, ભગવા ધ્વજના મહિમાનું થયું સ્મરણ
વિભાગ કાર્યવાહ જયંતભાઈ પટેલનું માર્ગદર્શનસભર સંબોધન, રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો સંદેશ
હાલોલ:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હાલોલ નગર દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ–2026 નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ નગરમાં શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક પથ સંચલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પવિત્ર અવસરે પરમ પૂજનીય ભગવા ધ્વજના મહિમાનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું. ભગવો ધ્વજ સંઘ માટે માત્ર એક પ્રતીક નહીં પરંતુ ત્યાગ, શૌર્ય, સંસ્કાર અને રાષ્ટ્રનિષ્ઠાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. પથ સંચલન દરમિયાન સંઘની શિસ્ત, એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો સુંદર પરિચય જોવા મળ્યો હતો. સાથે જ ઘોષ (બૅન્ડ) દ્વારા દેશભક્તિપૂર્ણ ધૂનો રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું.

કાર્યક્રમનું આયોજન હાલોલ નગર કાર્યવાહ વિજયભાઈ ચંદકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે વિભાગ કાર્યવાહ જયંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શનસભર સંબોધનમાં વર્ષ પ્રતિપદાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું તેમજ સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાની પ્રેરણા આપી હતી.
ઉત્સવ દરમિયાન સ્વયંસેવકો તેમજ નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ પ્રસરી ગયો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top