તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદમ વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સ્વામીએ ભેળસેળયુક્ત પ્રસાદમ અંગે આંધ્ર પ્રદેશ સરકારની વહીવટી તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારની વહીવટી તપાસ અને કોર્ટના આદેશથી રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ અલગ અધિકારક્ષેત્રમાં કાર્ય કરી રહી છે, તેથી બંને પ્રક્રિયાઓ એકસાથે આગળ વધી શકે છે. અરજદારે દલીલ કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એક સભ્યની સમિતિની કાર્યવાહી SITની તપાસમાં દખલ કરે છે. જોકે, બેન્ચે માન્યું કે હસ્તક્ષેપ માટે પૂરતા કારણો મળ્યા વા હોવાથી આ અરજી નામંજૂર કરાઈ હતી. અગાઉ 4 ઓક્ટોબર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટરની દેખરેખ હેઠળ રચાયેલી SITને સોંપી હતી.
SITએ 23 જાન્યુઆરી, 2026ના રોજ નેલ્લોરની અદાલતમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કેટલાક અધિકારીઓ સામે વહીવટી પગલાંની ભલામણ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલનો ઉલ્લેખ છે. સંસ્થાએ જુલાઈ 2024માં લેવામાં આવેલા ઘીના નમૂનાઓની તપાસમાં પ્રાણીજન્ય ચરબી ન મળ્યાનું જણાવ્યું હતું. જોકે તપાસમાં ઘીમાં વનસ્પતિ તેલ અને લેબ એસ્ટરનો મિશ્રણ ઉમેરાયેલ હોવાનું સામે આવ્યું હતું, જે ડેરી ગુણધર્મોની નકલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. CBIની ચાર્જશીટના આધારે શરૂ થયેલી તપાસમાં હવાલા મારફતે લાંચના આક્ષેપોની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી ડેરી કંપનીઓ અને વચેટિયાઓએ ટેન્ડર અને ગુણવત્તા મંજૂરી પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીઓને પ્રભાવિત કરવા હવાલા ચેનલોનો ઉપયોગ કર્યો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે બંને તપાસ પ્રક્રિયાઓ કાયદા અનુસાર કડક રીતે ચાલુ રહેશે. આ સાથે એમણે સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર કરી હતી. આ વિવાદ બાદ આંધ્રપ્રદેશ સરકાર ભક્તોને આપવામાં આવતા પ્રસાદ અને ભોજનની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે 25 કરોડના ખર્ચે તિરુમાલા ખાતે એક અત્યાધુનિક ખાદ્ય પ્રયોગશાળા સ્થાપિત કરી રહી છે.