વડોદરા તારીખ 11
અમદાવાદ અને વડોદરા શહેરમાં ફોરવ્હીલ ગાડીઓની ચોરી કરવાના તેમજ ચોરી કરેલા વાહનો તોડી વેચી નાખવાના અગાઉ આશરે 140 થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા ત્રણ રીઢા આરોપીઓને બે કાર સાથે સમા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. રાવપુરા તથા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં કાર ચોરીના ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી બે કાર ત્રણ મોબાઇલ અને રોકડા રૂ.25 હજાર મળી રૂ.7 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કારેલીબાગ તથા રાવપુરા પોલીસને આરોપીઓ સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.
અમદાવાદમાં રહેતા હરેશભાઇ દુલાભાઇ માણીયા તેમજ તેનો ભાઇ અરવિંદભાઇ દુલાભાઇ માણીયા અમદાવાદ, વડોદરા તથા અન્ય જગ્યાઓ પરથી છેલ્લા 10 વર્ષમાં ફોરવ્હીલ વાહનોની ચોરી કરતા હતા. ત્યારબાદ આ વાહનને તાહિરને ત્યાં વાહનોને વેચી નાખતા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાવપુરા તથા કારેલીબાગના અનડીટેકટ ફોરવ્હીલ વાહન ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી અને ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરવામાં આવતા અમદાવાદ જીલ્લાના બાવળા ખાતે રહેતો અને અગાઉ 140 થી વધુ ફોરવ્હીલ વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલા રીઢો આરોપી હરેશ દુલા માણીયા શંકાસ્પદ જણાયો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને શંકાસ્પદ હરેશ માણીયા સમા તળાવડી રોડ ખાતે ઈકો કાર લઈને આવવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી અને હરેશ માણીયા કાર લઈને આવતા તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે કાર અને મોબાઈલની માલીકીના આધાર પુરાવાની માંગણી કરતા ન હતા. તેની કડકાઇથી પુછપરછ કરતા હરેશ માણીયાએ તેના ભાઇ સાથે તેઓ પાસેની બ્રેઝા કાર સાથે વડોદરા આવી સુરસાગર તળાવ પાસેથી ઇકો ગાડી ચોરી કરી સમા કેનાલ રોડ ઉપર પાર્ક કરી મુકી રાખી હતી અને તેઓ ચોરી કરેલા ફોરવ્હીલ વાહનો રાજકોટ ખાતે રહેતા તાહેર અનવર વોરાને આપતા હતા.બન્ને ભાઇ દ્વારા આ ચોરી કરેલી ઇકો ગાડી લેવા તાહેર વોરાનો આવવાનો હોવાથી તેનો ભાઇ અરવિંદ તથા તાહેર વોરા તેઓ પાસેની બ્રેઝા ગાડી લઇને થોડે દુર ઉભા રહયા હતા અને પોતે ચોરી કરેલી ઇકો ગાડી લેવા આવ્યાની હકીકત જણાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ સમા- રોડ ખાતે ઊભેલા અરવિંદ દુલા માણીયા ( રહે. નવજીનપાર્ક, રેલ્વે સ્ટેશનની સામે, બાવળા જી.અમદાવાદ) તેમજ તાહેર અનવરહુસેન ત્રિવેદી (રહે. સમ્સ બિલ્ડીંગ બુરહાની પાર્ક બેડીપરા રાજકોટ)ને બ્રેઝા કાર સાથે દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા તાહેર અનવર વોરાએ જણાવ્યું હતું કે હરેશ માણીયા તથા તેનો ભાઇ અરવિંદ પાસેથી ચોરી કરેલા વાહનો લઇ સ્ક્રેપના ગોડાઉનમા કટીંગ કરી નાંખતો હતો. ત્યારબાદ તેના અલગ અલગ પાર્ટ્સ કરીને વેચતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ પાસેથી બે કાર , 3 મોબાઈલ તથા રોકડા રૂ. 25 હજાર મળી રૂ.7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ ક્રાઈમ બ્રાન્ચે રાવપુરા પોલીસ સ્ટેશનના બે તથા કારેલીબાગની વાહન ચોરીના ગુનાને ડિટેક્ટ કરી આરોપીઓને ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરી છે.
