Dakshin Gujarat

હાંસોટ, ભરૂચ અને જંબુસરમાં ‘બર્નિંગ ડે’

ભરૂચ: બુધવારે સવારે ભરૂચમાં (Bharuch) આગની (Fire) ત્રણ ઘટનાએ ફાયર બ્રિગેડને દોડતો કરી દીધો હતો. વહેલી સવારે હાંસોટ તાલુકાના અલવા અને આમોદ–જંબુસર રોડ ઉપર મગણાદ નજીક ભીષણ આગ ફાટી નીકળી હોવાના ફાયર બ્રિગેડને કોલ મળતાં લાશ્કરો ઘટના સ્થળ તરફ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

  • વહેલી સવારે આગ લાગવાની ઘટનાઓથી ફાયરબ્રિગેડ દોડતું રહ્યું
  • હાંસોટના અલવા ગામે પ્લાયવુડ કંપનીના બગાસમાં આગ લાગી
  • જંબુસરના મગણાદ ગામે અકસ્માતમાં ટ્રક સળગી ઊઠી

હાંસોટ તાલુકાના અલવા ગામે પ્લાયવૂડ કંપની આવેલી છે. પ્લાયવૂડના રો મટિરિયલ તરીકે બગાસનો ઉપયોગ થાય છે. કંપની તેની પ્રિમાઇસીસની સામે આવેલા મેદાનમાં આ બગાસનું રો મટિરિયલ સ્ટોર કરે છે. પ્લાયવૂડના ઉત્પાદનના અતિ મહત્ત્વના રો મટિરિયલના અહીં જાણે ડુંગરો ખડકી દેવાયા છે. વહેલી સવારે આ બગાસના જથ્થામાં તણખલું પડતાં તે સળગી ઊઠ્યું હતું. બગાસએ ઘાસ અને લાકડાનું ભૂસું હોય છે. જે અત્યંત જ્વલનશીલ હોવાથી ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક ઢગલામાં લાગેલી આગ આસપાસના અન્ય ઢગલામાં પણ ફેલાઈ ગઈ હતી. આ બનાવમાં સ્થાનિક સેફ્ટીનાં સાધનો અપૂરતાં સાબિત થતાં ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. ઘટના સ્થળે 5 જેટલા ફાયર ટેન્ડર રવાના કરાયાં હતાં. આ ટીમોએ થોડા સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, આગના કારણે રો મટિરિયલ બળીને ખાખ થઇ જતાં કંપનીને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

આગની વધુ એક ઘટના જંબુસર તાલુકામાં બની હતી. વહેલી સવારે અહીં અકસ્માતગ્રસ્ત ટ્રક સળગી ઊઠી હતી. જંબુસર તાલુકાના મગણાદ–આમોદ રોડ ઉપરથી બગાસ લઈને જતી ટ્રકના ચાલકે વાહન ઉપરથી કાબૂ ગુમાવતાં ટ્રક પલટી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકમાં લોડ કરાયેલા બગાસના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. બગાસ જ્વલનશીલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીની પળોમાં આખી ટ્રક સળગવા લાગી હતી. મદદ માટે ફાયરબ્રિગેડને કોલ અપાયો હતો. જો કે, ત્યાં સુધી તો ટ્રક કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ ન નોંધાતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

Most Popular

To Top