બીલીમોરા : બીલીમોરા રેલવે ઓવરબ્રિજના અધૂરા સર્વિસ રોડના (Service Road) કારણે પશ્ચિમ વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા વોર્ડ નંબર 2 ની નાગરજી પટેલ ચાલના રહીશોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે આરોગ્ય લક્ષી ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ (Ambulance) તેમની ચાલમાં પ્રવેશી શકતી નથી. તેમજ કોઈ આગ જેવી ઘટના સમયે પણ ફાયર ફાયટર પણ પ્રવેશી શકતું નથી. જ્યારે કોઈ કામ માટે કોઈપણ પ્રકારના મોટા વાહનો પ્રવેશી શકતાં નથી. છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ બનાવવાની માત્ર વાતો જ કરવામાં આવે છે. જે અંગે પ્રાંત કચેરીમાંથી નોટિસો કાઢી જેમની જગ્યા સંપાદનમાં જાય છે તેમને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
- બીલીમોરામાં ચૂંટણી બહિષ્કાર કરનારાઓની સંખ્યામાં દિન પ્રતિદિન થતો વધારો
- બીલીમોરા પશ્ચિમમાં નાગરજી પટેલ ચાલમાં ઓવરબ્રિજના સર્વિસ રોડના અભાવે મુશ્કેલી પડતા રહીશોનું એલાન
ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડના કારણે મુશ્કેલી ઉભી થતા સ્થાનિકોએ અનેકવાર રજુઆત કરી હતી. તેમ છતાં હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ નહીં આવતા અંતે નાગરજી પટેલની ચાલના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કરી બેનર લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે, ‘વોર્ડ નંબર 2, નાગરજી પટેલની ચાલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ’. ઇમરજન્સીમાં કોઈ પણ 108 કે ફાયર બ્રિગેડ આવી શકે એમ નથી. મેઇન રોડ સાંકડો હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ સંપાદન નજીક જ છે એમ ખોટા વાયદા આપ્યા કરે છે. વોટીંગ પણ સંપાદન પછી જ માંગવા આવજો. ગલીમાંથી નીકળતી વખતે ઘણીવાર અકસ્માતનો સામનો કરવો પડે છે. આ પ્રમાણેનું ચૂંટણી બહિષ્કાર કરવાનું બેનર લગાડવામાં આવ્યુ છે. બીલીમોરાના રહીશોની પરેશાનીઓનો કોઈ પાર નથી. એક પછી એક ચૂંટણી બહિષ્કાર કરનારાઓની સંખ્યા બીલીમોરામાં દિન પ્રતિ દિન વધી રહી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં બધું કામ પાર પાડી દેવા માટે લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે.