સુરત: (Surat) ઇઝરાયલની (Israel) કંપની દ્વારા સુરતના વરાછા, કાપોદ્રા અને સુમુલ ડેરી રોડની 4 ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપની (Diamond Manufacturing Company) અને 200 જેટલા હીરાના કારખાનેદારોને ત્યાં કરવામાં આવેલી કોપીરાઈટના કેસની કાર્યવાહી સામે સોમવારે કતારગામ આંબા તલાવડીના સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સુરત ડાયમંડ મશીનરી અને ટેક્નોલોજી એસોસિએશન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઇઝરાયલની કંપનીની મોનોપોલી (Monopoly) તોડવાની શરૂઆત સુરતથી થશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
પાટીદાર સમાજની વાડીમાં બેનરો સાથે મેક ઇન ઇન્ડિયાની મશીનરી ખરીદવા અને વિદેશી કંપનીઓની મશીનરીનો બહિષ્કાર કરવા અપીલ કરાઈ છે. સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં 8 લાખથી 25 લાખ સુધીની કિંમતમાં ડાયમંડ મશીનરી તૈયાર થાય છે. વિદેશી કંપનીઓ દ્વારા ખોટું અર્થઘટન કરી કોપીરાઈટના કેસો કરવામાં આવી રહ્યા છે. એની સામે સંગઠિત થઈ કાનૂની લડત આપવામાં આવશે. આજની બેઠકમાં હીરા ઉદ્યોગના ત્રણ એસોસિએશનના આગેવાનો જોડાયા હતા.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, હીરા ઉદ્યોગ સામે કોપીરાઇટનો જે મામલો સામે આવ્યો છે એ ખૂબ જ પેચીદો છે. કોઈ પણ વિદેશી કંપનીના ખોટા આક્ષેપો સામે હીરા ઉદ્યોગ ઝૂકશે નહીં. વિદેશી કંપનીઓની ડાયમંડ કટિંગ-પોલિશિંગની મશીનરીઓમાં મોનોપોલી છે, તે હવે સુરતના મશીનરી ઉત્પાદકો તોડીને બતાવશે. વડાપ્રધાન પોતે પણ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત ઉપર વિશેષ કામ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે સ્થાનિક સ્તરે જ ડાયમંડ કટિંગ-પોલિશિંગની મશીનરી તૈયાર થાય એ દિશામાં આગળ વધશે.
સોફ્ટવેર એકબીજાને મળતું આવે એ સ્વાભાવિક છે, તેનાથી ડરી જવાની જરૂર નથી : પ્રવીણ દેવમુરારી
સુરત: કોપીરાઈટ કેસમાં સુરતના ડાયમંડ મેન્યુફેક્ચરર્સ અને હીરાના કારખાનેદારોના વકીલ પ્રવીણ દેવમુરારીએ કહ્યું હતું કે, સોફ્ટવેર એકબીજાને મળતું આવે એ સ્વાભાવિક વાત છે. વિદેશી કંપનીઓ હીરા ઉદ્યોગકારોની ઉદારતાનો લાભ ઉઠાવી રહી છે. કારખાનેદારોએ કોઈને પોતાના કારખાનામાં ગેરકાયદે પ્રવેશ કરવા દેવો ન જોઈએ. સરવેના નામે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી બિલકુલ કરવા ન દેવી જોઈએ. કંપનીઓના પ્રાઇવેટ ડિટેક્ટિવ જો આવે તો પ્રાઇવસી ભંગનો કેસ કરવો જોઈએ. સોફ્ટવેર એકબીજાને મળતું આવે એ સ્વાભાવિક છે. તેનાથી ડરવાની જવાની જરૂર નથી. પેટન્ટ એક્ટ હેઠળ કોઈ મશીનરીની પહેલી શોધ થઈ હોય તો કોપીરાઇટનો કેસ થઇ શકે. કોપીરાઈટના કેસ શક્યતા અને સંભાવનાને આધારે કરવામાં આવી રહ્યા છે. એની કોઈ ખાસ લીગલીટી નથી. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ વાઘાણીએ કહ્યું કે, વિદેશી કંપનીઓએ કરેલા કેસનો કાનૂની લડતથી જવાબ આપવામાં આવશે. અજાણ્યા લોકોને સરવે કે તપાસ માટે હવે કારખાનાંમાં પ્રવેશ અપાશે નહીં.