Gujarat

‘બાપ રે…બહુ ગરમી છે’: આકરી ગરમીથી બપોરે તો જનતા કર્ફ્યું જેવો માહોલ, જાણો તમારા શહેરનું તાપમાન

ગાંધીનગર : ગુજરાત(Gujarat) રાજ્યમાં આગામી 48 કલાક માટે હીટ વેવ(Heat wave)ની ચેતવણી આપવામાં આવી છે. જેના પગલે બે દિવસ માટેનું હીટ વેવનું યલ્લો એલર્ટ(Yellow alert) યથાવત રહ્યુ છે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો હતો. 48 કલાક માટે સુરત(surat), પોરબંદર(Porbandar), કચ્છ(Kutch), દિવમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.

  • રાજ્યમાં 48 કલાક હિટવેવની આગાહી, કંડલામાં 44 ડિગ્રી
  • સુરત, પોરબંદર, કચ્છ, દિવમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળશે
  • અમદાવાદમાં 42, ગાંધીનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ

અમદાવાદ(Ahmadabad) એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડીગ્રી, ડીસામાં 41 ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41 ડીગ્રી, વડોદરામાં 41 ડીગ્રી, સુરતમાં 40 ડીગ્રી, વલસાડમાં 37 ડીગ્રી, ભૂજમાં 43 ડીગ્રી, નલિયામાં 37 ડીગ્રી, કંડલા પોર્ટ પર 40 ડીગ્રી, કંડલા એરપોર્ટ 44 ડીગ્રી, અમરેલી 43 ડીગ્રી, ભાવનગરમાં 39 ડીગ્રી, રાજકોટમાં 42 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 43 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

સુરતમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
સુરત: શહેરમાં સતત ત્રીજા દિવસે જાણે આકાશમાંથી આગનગોળા વરસતા હોય તેવો પ્રકોપ સૂર્યદેવે વર્તાવ્યો હતો. આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રી નોંધાયો છે. કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. એપ્રિલના અંતમાં જ આ હાલત છે અને હજી તો મે મહિનાનો આકરો તાપ બાકી છે. આજે બુધવારે શહેરમાં ગરમીનો પારો આંશિક વધારા સાથે 40.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન આડધો ડિગ્રી વધીને 25.4 ડિગ્રી નોંધાયું હતું.

આગામી દિવસોમાં ગરમી વધારે આકરા તેવર બતાવશે. આજે હવામાં 26 ટકા ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું જોઈએ. નાના બાળકો- વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી અતિશય ગરમીનાં લીધે હીટ સ્ટ્રોકથી બચી શકાય.

ભરૂચના લોકો ૪૩ ડિગ્રી ગરમીમાં શેકાયા
ભરૂચ, અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં આભમાંથી સૂર્યનારાયણે આકરા તેવર વર્તાવતાં બુધવાર ૪૩ ડિગ્રી સાથે સિઝનમાં આગ ઝરતી ગરમીમાં શેકાયા છે. ભરૂચ જિલ્લો નર્મદા નદી અને અરબી સમુદ્ર કિનારે હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે. ઉનાળામાં ગરમીનો પારો ૪૦થી ૪૨ ડિગ્રીને પાર કરી જાય છે.

બુધવારે ભરૂચ જિલ્લા અને જિલ્લાની પ્રજા માટે ગરમીની મોસમનો સૌથી હોટેસ્ટ ડે પુરવાર થયો હતો. બુધવારે નવસારી કૃષિ યુનિવર્સીટી મકતમપુર ખાતે મુકાયેલા હવામાન માપક સાધનો ઉપર ગરમીનો ગ્રાફ ૪૩ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. આગામી ૫ દિવસ પણ ભરૂચ જિલ્લા માટે અગ્નિપરીક્ષા જેવા જ રહેવાના છે. IMDની આગાહી મુજબ ભરૂચ જિલ્લાનું તાપમાન પાંચ દિવસમાં ૪૪ ડિગ્રી જેટલું ઊંચું નોંધાઇ શકે છે.

સિઝનનો સૌથી વધુ તાપમાનનો પારો બુધવારે નોંધાયો
બુધવારે મહત્તમ તાપમાનનો પારો સિઝનનો સૌથી વધુ નોંધાવા સાથે લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર ૧૪ % રહેતાં આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા હતા. જ્યારે ગરમ વાતા પવનોની ગતિ ૫.૩ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. બુધવારે હાઇએસ્ટ ૪૩ ડિગ્રી ગરમીના પારા વચ્ચે ઔદ્યોગિક ગઢમાં લોકોને ખરેખર અનુભવાયેલી ગરમી ૪૪ ડિગ્રી ઉપર રહી હતી. અત્યાર સુધી ઉનાળાની મોસમમાં જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગરમીની સરેરાશ જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગના લીધે દર વર્ષે ૨થી ૩ ડિગ્રી વધી છે.

ગરમીની પ્રતિકૂળ અસરથી દુધાળા પશુઓ બચાવો: ડો.એચ.ડી.સોડવડિયા
ભરૂચના મકતમપુર કૃષિ યુનિવર્સિટીના ડો.એચ.ડી. સોડવડિયાએ જણાવ્યું હતું કે, આકરી ગરમીની પ્રતિકૂળ અસરથી દુધાળા પશુઓને બચાવવા દિવસમાં બે વખત સ્નાન કરાવવું જોઈએ. જેથી તેઓના દૂધના પ્રમાણમાં પણ ઘટાડો નહીં થાય અને તેઓ બીમારીઓથી પણ બચી રહેશે. પશુઓની રહેવાની જગ્યા હવા-ઉજાસવાળી રાખવી.

બાળકો, વૃદ્ધો અને સગર્ભાએ બપોરે બહાર જવાનું ટાળવું
બપોરના સમયે ગરમી અને સૂર્યનાં કિરણો વધુ ઘાતક હોય છે. જેના કારણે બેચેની, ચક્કર, ઊલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે. બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ વાર રહેવાથી ટાળવું જોઈએ. બને ત્યાં સુધી નાનાં બાળકો, વૃદ્ધો, સગર્ભા અને ક્રોનિક ડીસીઝવાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ સુતરાઉ ઢીલાં કપડાં પહેરવા જોઈએ.

ખેડૂતો છોડની વિશેષ કાળજી રાખે
આકરી ગરમીમાં છોડ સુકાઈ ન જાય એ માટે ખેડૂતોએ 4થી 5 દિવસે પાણી આપવું જોઈએ. છોડમાં સુકારો લાગે નહીં તેની ખાસ કાળજી લેવી જોઈએ. પવનની ગતિ વધારે હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ. પાક અને જમીનમાં ભેજ જળવાઈ રહે એ માટે પાણીનું ખાસ ધ્યાન રાખવું.

Most Popular

To Top