Comments

આર્થિક અસમાનતાને સમજાવતા અર્થશાસ્ત્રીને ૨૦૨૪નો નોબેલ પુરસ્કાર

કોઈ દેશ અમીર કેમ અને કોઈ દેશ ગરીબ કેમ? આ પ્રશ્નનો જવાબ વર્ષોથી માણસ શોધી રહ્યો છે. પ્રદેશની ભૌગોલિક રચના, સાંસ્કૃતિક પરિબળો તેમજ ઐતિહાસિક વારસા જેવાં કારણોમાં જવાબ શોધવાના પ્રયત્નો થતા રહ્યા છે. એવું એક અગત્યનું ઐતિહાસિક પરિબળ છે સંસ્થાનવાદી ઇતિહાસ. જેના લાંબા ગાળાની અસર સમજાવતો અભ્યાસ પ્રો. એસમોગ્લૂ, પ્રો જોહન્સન અને પ્રો. રૉબિન્સને કર્યો જે માટે ૨૦૨૪નું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક તેમને એનાયત થયું. પ્રો. એસમોગ્લૂ, અને પ્રો જોહન્સન એમ.આઈ.ટી સાથે જોડાયેલા છે અને પ્રો. રૉબિન્સન શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનનું કામ કરે છે. વર્તમાન સમયમાં પ્રવર્તતી વૈશ્વિક આર્થિક અસમાનતા પાછળનું પગેરું એમણે શોધ્યું છે.

૫૦૦ વર્ષના સંસ્થાનવાદના ઇતિહાસમાં જેમ અંગ્રેજોએ ભારતને પોતાનું સંસ્થાન બનાવી લગભગ ૨૦૦ વર્ષ રાજ કર્યું તેમ યુરોપના ઘણા દેશોએ વિશ્વના જુદા જુદા ભાગમાં પોતાનાં સંસ્થાન બનાવ્યાં. ઉદ્દેશ તો મહત્તમ આર્થિક લાભ મેળવવા લાંબુ ટકી રહેવાનો જ હતો, એ માટે જે તે દેશમાં રાજ કરવાની અલગ અલગ નીતિ અપનાવી અને સંસ્થાકીય માળખા ઊભા કર્યા. નીતિઓના આધારે સંસ્થાન દેશોને બે ભાગમાં વહેંચી શકાય. એક, જ્યાં તેઓ વસીને સ્થાયી થયા. આ દેશોમાં તેમણે આર્થિક સ્વતંત્રતાને ટેકો કરી શકે એવા લોકશાહી માળખા ઊભા કર્યા.

દા.ત. યુ. એસ., ઓસ્ટ્રેલિયા, કે ન્યુઝીલેન્ડ. આ દેશોમાં વિકાસ લાંબા ગાળા સુધી ટકી શક્યો અને એનો ફાયદો સામાન્ય લોકો સુધી પણ પહોંચ્યો. બે, એવા દેશો કે જ્યાં સંસ્થાન બનાવી તેઓ વસવા નહોતા માંગતા. એમને માત્ર ત્યાંનાં સંસાધનોનો ઉપયોગ કરી સંપત્તિ ઊભી કરવામાં રસ હતો. આ માટે એવા સંસ્થાકીય માળખા ઊભા કર્યા જેનાથી સ્થાનિક લોકોનું તેમજ ત્યાંનાં કુદરતી સંસાધનો શોષણ કરી શકાય. દા. ત. ભારત. આ સંસ્થાકીય માળખા એટલે બીજું કશું નહીં પણ સ્પષ્ટ રૂપે લખાયેલા કાયદાઓ તેમજ સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ. એટલે જ એની અસર આટલા લાંબા સમય પછી આજે પણ દેખાય છે. તો સવાલ તો ઊભો થાય છે કે આ માળખું સુધારવા તરફ કોઈ પગલાં કેમ લેવાતાં નથી?

સંસ્થાનવાદમાંથી આઝાદી મળ્યા પછી ભારત અને એના જેવા ઘણા દેશોમાં રાજકીય લોક તંત્ર છે. પણ શું એ ખરેખર સર્વ સમાવિષ્ટ છે? શું ખરેખર છેવાડે બેઠેલાં લોકોનું પ્રતિનિધિત્વ સાચા અર્થમાં થાય છે? શું એક મત આપી શકવાના અધિકારથી દરેક વ્યક્તિના હિતની વાત સત્તા સુધી પહોંચે છે? નોબેલ વિજેતા ત્રિપુટીનું માનવું છે કે જ્યાં સુધી રાજકીય તંત્રને કારણે મુઠ્ઠીભર ઉમરાવોને જ ફાયદો થતો દેખાય ત્યાં સુધી લોકોને રાજકીય પ્રક્રિયામાં વિશ્વાસ બેસતો નથી અને તેઓ મતાધિકારનો ઉપયોગ કરી સત્તાપરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે.

બીજી તરફ સત્તાની નજીક રહેલા અમીર – ઉમરાવોને વિશ્વાસ નથી બેસતો કે તેમને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કઈ રીતે થશે. એટલે બંને પક્ષે પરસ્પર અવિશ્વાસ રહે છે, જેને પરિણામે સમાજ બે વર્ગમાં વિભાજિત રહે છે – એક તરફ ગરીબીમાં જીવતાં લોકો છે તો બીજી તરફ સંપત્તિમાં આળોટતા મુઠ્ઠીભર સત્તા ભોગવતો અમીર વર્ગ! એવું નથી કે પરિવર્તન શક્ય નથી. ઘણાં બિનલોકશાહી દેશોએ પણ લોકશાહી તરફ પ્રયાણ કર્યું છે. એ શક્ય એટલા માટે છે કે મતાધિકાર વગરની જનતાનો પણ સત્તાને ડર લાગે છે કારણકે તેમનું સંખ્યાબળ ઘણું મોટું છે જે ક્રાંતિ લાવી શકે છે.

આ અભ્યાસનાં તારણોના સંદર્ભે જો વર્તમાન આર્થિક નીતિઓને સમજીએ તો જાણે ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એવું લાગે છે. આજે પણ ભારત સહિત મોટા ભાગના દેશોમાં સત્તાની નજીક હોય એવા મુઠ્ઠીભર લોકોને ફાયદો થઈ શકે એવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે, જેને ‘ક્રોની કેપીટાલીસમ’કહેવાય. લોકો ઝડપથી પોતાનાં સંસાધનો પરનો કાબૂ ગુમાવી રહ્યાં છે અને શ્રીમંતો અનેક ગણી ઝડપે વધુ ને વધુ શ્રીમંત બની રહ્યાં છે.

ખાસ કરીને નેવુંના દાયકામાં જે આર્થિક નીતિઓ અને કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા એ પછી વિકાસે જે હરણફાળ ભરી છે એનાથી લોકોનું જીવનધોરણ ઘણું ઊંચું આવ્યું હોવાની સાથે અસમાનતા પણ એ જ ઝડપે વધી, તેમજ પર્યાવરણને નુકસાન પણ એ જ ઝડપે થયું છે. આ સંદર્ભે વર્તમાન વિકાસના લાંબા ગાળે ટકી રહેશે કે કેમ એ સવાલ પૂછવો વ્યાજબી છે અને જો એનો જવાબ આપણે સૌ જાણીએ છીએ એમ, જો નકારાત્મક હોય તો વિકાસની જે દિશા પકડીને આપણે ચાલ્યા છીએ એને બદલવા માટેના પ્રયત્ન તાત્કાલિક ધોરણે કરવા પડશે. અહીં બે-ચાર વૃક્ષારોપણના કાર્યક્રમોથી વાત નહીં બને, પણ નીતિગત ફેરફારો કરવા પડશે. શક્ય છે કે વિકાસની ગતિ એનાથી ધીમી પડે. પણ, હવે પસંદગી ધીમો અને લાંબા ગાળાનો વિકાસ વિરુધ્ધ ઝડપી અને આત્મઘાતી વિકાસ વચ્ચેની છે.
નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top