Columns

1907 સુરત કોંગ્રેસ, પાટીદાર યુવાનો, કુંવરજીના મુખેથી

કુંવરજીની નસેનસમાં બળવો, ક્રાન્તિ, વિદ્રોહની ઉદામવાદી નીતિ હતી. બાલ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને દયાનંદ સરસ્વતી, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય તેમના આદર્શ વીર પુરુષો હતા. 1907 માં કુંવરજી 21 વર્ષના ભરયુવાન તરવરાટવાળા હતા. ગુજરાતમાં સુરત જેટલું કોઇ શહેર રાજકીય જાગૃતિ ધરાવતું ના હતું. જો કે સુરત ફિરોજશાહ મહેતા, જી.કે. ગોખલે જેવા મવાળવાદી નેતાઓનો કિલ્લો ગણાતું હતું. કોંગ્રેસમાં મવાળવાદી અને  તિળક, લજપતરાયના ઉદામવાદીઓ વચ્ચે તીવ્ર મતભેદો હતા. કુંવરજી, કલ્યાણજી, પાટીદાર યુવકો ઉદામવાદીઓ હતા. સુરતમાં ઇંગ્લેંડથી ભણી આવેલા આંખના ડોકટર મોહનનાથ દીક્ષિત, મનપતરાય રાયજી, કસનજી દેસાઇ ‘શકિત’ નામનું મુખપત્ર બહાર પાડતા. બ્રિટિશ માલના બહિષ્કાર, સ્વદેશી ચીજવસ્તુનો પ્રચાર, સ્વરાજની માંગણી આ છાપામાં કરવામાં આવતી. બીજી બાજુ ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. ચુનીલાલ સરૈયા, ત્રિભુવનદાસ માળવી, ઠાકોરરામ મહેતા, ખંડુભાઇ દેસાઇ વગેરે ધુરંધર મવાળવાદીઓ હતા.

1906 ની કોંગ્રેસ કલકત્તામાં ભરાવાની હતી. તિળક જૂથ અને બંગાળીઓ બંગ-ભંગના આંદોલનને સમગ્ર દેશવ્યાપી જાગૃત કરવા માંગતા હતા. ‘સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે’ તે નારો તિળકે દેશવ્યાપી જગવ્યો. બંગાળીઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસ, સ્વરાજની માંગણી કરતો, બ્રિટિશ માલના બહિષ્કાર અને સ્વદેશીનો પ્રચાર કરતા ઠરાવો પસાર કરાવવા ઇચ્છતા. તિળકને પ્રમુખ બનાવવાની જોરશોરથી માંગ થઇ પણ મવાળવાદીઓએ તિળકની ઉમેદવારી ડૂબાડવા કોંગ્રેસના પ્રખર મહારથી 80 વર્ષની વય વટાવી ચૂકેલા ઇંગ્લેંડમાં રહેતા કોંગ્રેસના પિતામહ દાદાભાઇ નવરોજીને પ્રમુખ બનાવ્યા.

(મોહનનાથ દીક્ષિતની ડાયરી) ઇંગ્લેંડમાં ભણતા સુરતના નાગર ગૃહસ્થ મોહનનાથ દાદાભાઇને મળવા તેમના રહેઠાણ સસેકસમાં ગયા. દાદાભાઇ ગભરાયેલા હતા. બંગાળના અનુશાસન સમિતિના યુવાનોએ દાદાભાઇને કાગળ લખેલો ‘જો તમે સ્વરાજ, બહિષ્કારના ઠરાવો પસાર નહિ કરો તો અમે તમે વેપારી તરીકે આચરેલા કાળા કરતૂકો બહાર પાડીશું.’ આ કાગળ મોહનનાથને દાદાભાઇએ બતાવ્યો. બીતા બીતા તેમણે કહ્યું ‘જો હું આ ઠરાવો પ્રમુખ તરીકે પસાર કરાવું તો અંગ્રેજો મને જેલમાં પૂરે.’ મોહનનાથે તેમને સાંત્વન આપતા કહ્યું, ‘અંગ્રેજો કુશળ રાજદ્વારીઓ છે. તમારા જેવા મહારથીને જૈફ વયે જેલમાં પૂરે તેવા અંગ્રેજો મૂરખા નથી.’ 1906 માં દાદાભાઇએ કલકત્તા ખાતે પ્રમુખ તરીકેના ભાષણ સ્વરાજ, સ્વદેશીના માત્ર ઉલ્લેખો કરી મુશ્કેલીને ટાળી.

પણ 1907માં નાગપુર કોંગ્રેસ મળવાનું સ્થળ પસંદ થયું. તિળક કયાં તો લજપતરાયને પ્રમુખ બનાવવા માટેની વાટાઘાટો, ચળવળો શરૂ થઇ. ઉદ્દામવાદીઓ ફાવી જશે જાણી ફિરોજશાહ મહેતા, અંબાલાલ સાંકરભાઇ દેસાઇ, કપિલરાય મહેતા વગેરેએ સુરતની પસંદગી કોંગ્રેસ અધિવેશન માટે કરી. સુરત મવાળવાદીઓનો કિલ્લો ગણાતું. તિળકે ‘કેસરી’માં લખ્યું, ફિરોજશાહને ઉદ્દેશીને ‘પોતાની ગલીમાં કૂતરો પણ વાઘ બને છે.’ તિળકે સુરતમાં મવાળવાદીઓને ના ફાવવા દેવાની પ્રતિજ્ઞા લીધી.

સુરતના ત્રિભુવનદાસ માળવી સ્વાગત સમિતિના પ્રમુખે જોરશોરથી તૈયારી કરી. બંગાળ રાસબિહારી ઘોષ અને મંત્રી સુરેન્દ્રનાથ બેનરજી જેઓ રાસબિહારી ઘોષની વરણી પ્રમુખ તરીકે કરવાના હતા તેમના આગમનને આવકારવાની તૈયારી સુરતના રસ્તાઓ ઉપર ઝાકઝમાળ સાથે થઇ. બીજી બાજુ સુરતની પ્રજામાં શિવાજીએ ચડાઇ કરી હતી તેથી શિવાજીના ઐતિહાસિક પાત્ર માટે રોષ હતો. તિળકને શિવાજી સાથે સરખાવી ‘શિવાજીની ચડાઇ થઇ રહી છે.

 ચેતજો સુરતવાસીઓ’ ના લખાણવાળા પેમ્ફલેટો વહેંચાયા. તેમ છતાં કુંવરજી કહે છે બધું જ વ્યર્થ ગયું. 23મી ડિસેમ્બરે તિળક આવ્યા. લોકોની માનવમેદની માતી ના હતી. સુરત સ્ટેશનથી શહેરના રસ્તાઓ, મકાનોની અગાસી, બાલ્કની ઉપરથી લોકોએ તિળકના સરઘસ ઉપર ફૂલો અને હારોની વર્ષા કરી. તિળકને ખભે બેસાડી સુરતમાં ફેરવ્યા. 24મીએ ‘પંજાબના સિંહ’ કહેવાતા લજપતરાય બર્માની જેલમાંથી સીધા સુરત આવ્યા. તેમના સત્કારની કોઇ મણા ના રહી. બીજી બાજુ રાસબિહારી ઘોષ, સુરેન્દ્રનાથ બેનરજી વગેરેના આગમનો શુષ્ક, નીરસ રહ્યા.
-શિરીન મહેતા

Most Popular

To Top