Charotar

શેઢી નદીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી

યાત્રાધામ ડાકોર નજીક જ શેઢી નદી કાંઠે મૃત માછલીઓના બનાવ પગલે ટોળેટોળા ઉમટયા, વ્યાપક આક્રોશ ભભૂકી ઉઠયો

પ્રદૂષિત પાણીનો નદીના પ્રવાહમાં નિકાલ કરાતાં માછલીઓ સહિત વિવિધ જળચરો માટે જોખમી સ્થિતિ 

ડાકોર | ઠાસરા તાલુકામાંથી પસાર થતી શેઢી નદીમાં એકાએક જ અસંખ્ય માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમજ જીવદયા પ્રેમીઓમાં ભારે આધાતની લાગણી પ્રસરી જવા પામી છે. નદીકિનારે અસંખ્ય માછલીઓના મોતને પગલે યાત્રાધામ ડાકોર નજીકના શેઢી નદી કાંઠાના બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ભારે આક્રોશ વ્યક્ત કરી આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

 પ્રાપ્ત માહિતી મુજબ શેઢી નદીમાં માછલીઓ સહિત ઘણા બધા જળચરો વિહાર કરે છે. આ તમામ જળચરો માટે છેલ્લા ઘણા સમયથી જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે. નદીના જળ પ્રવાહમાં ઠેકઠેકાણેથી ગંદા દૂષિત અને કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાણી નિકાલની બેફામ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને કારણે અવારનવાર જળચર જીવોના મોત નિપજયા હોવાની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વધુ એકવાર શેઢી નદીના કિનારે અસંખ્ય માછલીઓના મોત પગલે યાત્રાધામ ડાકોર સહિત સમગ્ર ઠાસરા પંથકના ગામોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે. 

ડાકોર પાસેની શેઢી નદીમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. ત્યારે વહેલી તકે તપાસ કાર્યવાહી કરવી જરૂરી બની છે. નદીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કોણ કોણ કરે છે. તેની તપાસ કરીને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવી જોઈએ જેથી  નિર્દોષ  જીવોનાં અકાળે મોત ટાળી શકાય તેમ છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યાનુસાર  નદીમાં કેમિકલ યુકત પાણી છોડાતા અનેક માછલીઓ ના મોત થયા છે. જે ખૂબ જ કરુણ બનાવ બન્યો છે. 

Most Popular

To Top