શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ હવે વધુ ગતિશીલ બનશે
વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી ભારે ચિંતાનો વિષય બની છે. શહેરના મુખ્ય રસ્તાઓ, ગલીઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ગાય અને અન્ય ઢોર બેફામ રીતે ભટકતાં હોવાને કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ છે. આ સમસ્યાને ઉકેલવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે કાર્યરત 8 ઢોર પાર્ટી ઉપરાંત 10 નવી ઢોર પાર્ટીનો ઉમેરો કરવામાં આવ્યો છે.
પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવા માટે અલગ-અલગ પાળીઓમાં 18 ટીમો તહેનાત કરવામાં આવી છે.
સવારની પાળી: 6:00 AM થી 2:00 PM (4 ટીમ)
જનરલ શિફ્ટ: 10:00 AM થી 6:00 PM (3 ટીમ)
બપોરની પાળી: 2:00 PM થી 10:00 PM (4 ટીમ)
રાત્રિ પાળી: 10:00 PM થી 6:00 AM (4 ટીમ)
આ કામગીરી માટે પ્રત્યેક ટીમ સાથે 5 પોલીસ જવાનો, 1 હેડ કોન્સ્ટેબલ અને 1 એએસઆઈનો સ્ટાફ પણ રાખવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસ વિભાગ સંયુક્ત રીતે આ ઝુંબેશ ચલાવશે. ઢોર પકડવાની ટીમો રસ્તા પર ફરી રહેલા ઢોર પકડીને નિર્ધારિત ઢોર ડબ્બામાં મૂકશે. આ ઝુંબેશના ભાગરૂપે ખાસ ધ્યાન આપવામાં આવશે કે રખડતા ગાય અને અન્ય ઢોર જાહેર રસ્તાઓ અને અવરજવર વાળા વિસ્તારોમાં અવરોધ ન પેદા કરે.
હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને રખડતા ઢોરની સમસ્યા અંગે તીખી ટકોર કરાઈ હતી. આ પછી પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ભૂતકાળમાં પણ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, પણ ચોક્કસ નીતિ ન હોવાને કારણે પરિણામ મળતા નહોતાં. હવે, નવી 10 ટીમો સાથે કુલ 18 ટીમો મેદાનમાં ઉતારાતા, આ કામગીરી વધુ અસરકારક બનશે તેવી આશા છે. શહેરમાં ગૌપાલકો ગાય દોહી લીધા પછી તેમને ખુલ્લી મૂકી દે છે, જેનાથી ઢોર ભટકતા થાય છે. પાલિકા તંત્ર માટે સૌથી મોટું પડકાર એ છે કે ગૌપાલકો અને ઢોર પકડતી ટીમ વચ્ચે વારંવાર તણાવ સર્જાય છે. કેટલીકવાર પોલીસ બંદોબસ્ત પુરતો ન મળતા પણ કામગીરી પ્રભાવશાળી બની શકતી નથી. પાલિકા તંત્રએ શહેરની બહાર પાંજરાપોળમાં ગાય માટે રોકાણ અને ઘાસચારા વ્યવસ્થા કરી છે. આ ઝુંબેશને લાંબા ગાળે સફળ બનાવવા માટે, ગૌપાલકોને પણ તેમની ગાયો માટે જવાબદારી લેવડાવવી જરૂરી છે.
