Madhya Gujarat

નડિયાદના ત્રણ વિવાદી પીઆઈ સામે ધીમી ગતિએ આગળ ધપતી તપાસ, નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ

પોલીસે ચૂપકીદી તોડીઃ નિવેદનોની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તપાસકર્તાએ જણાવ્યુ



નડિયાદમાં 3 PI અને તેમના મિત્રવર્તુળની મહેફીલ પ્રકરણે ખાખીને દાગદાર કરી છે. ત્યારે આ સમગ્ર મામલે આજે તપાસકર્તા ડી.વાય.એસ.પી.એ તપાસ ચાલુ છે સિવાયનાં વધુ પાંચ શબ્દો ઉમેર્યા છે અને તેમને આ અંગે પૂછતા નિવેદનોની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યુ છે. જો કે, હજુ આ સમગ્ર મામલે અન્ય કઈ મહત્વની કડીઓ ખુલે છે અને આ સમગ્ર મામલે 3 પી.આઈ. સિવાય અન્ય કોઈ પોલીસ કર્મી આ ઘટનામાં જોડાયેલુ છે કે કેમ તેની પર સૌ કોઈની નજર છે.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવતી નથી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મહેફીલકાંડમાં 3 પી.આઈ. સિવાય અન્ય પોલીસ કર્મીઓ હાજર હતા પરંતુ વીડિયોમાં ન દેખાયા હોય અથવા જે સમયે મારામારી થઈ, તે પહેલા મહેફીલ પતાવી નીકળી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, તપાસ દરમિયાન અન્ય કોઈ મહત્વની બાબતો ઉજાગર થશે કે કેમ અને અન્ય કોઈ નામો ખુલશે કે કેમ તે અંગે હજુ પણ પોલીસ કોઈ નિવેદન આપવા તૈયાર નથી. તો વળી, આ સમગ્ર મામલે આજે તપાસકર્તા ડી.વાય.એસ.પી. વિમલ બાજપાઈને સંપર્ક કરતા તેમણે પહેલા તો તપાસ ચાલી રહી છે, તેમ જણાવ્યુ હતુ. પરંતુ તેમને પી.આઈ.ના નિવેદનો લેવાયા કે કેમ તે અંગે પૂછતા તેમણે માત્ર એટલુ જણાવ્યુ હતુ કે, નિવેદનોની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ ખેડા જિલ્લા પોલીસ વડા તપાસકર્તા પાસેથી રોજેરોજ આ મામલે અપડેટ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. તો સાથે જ એફ.એસ.એલ.ની જરૂરી પ્રક્રિયા ચાલુ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે.

બચાવવા માટે આ કારણો પૂરતા


1. દારૂની બોટલો ખાલી હોવાનું બતાવવાની શક્યતા
2. ત્રણેય પી.આઈ.એ દારૂ ન પીધો હોવાનું દર્શાવાય તેવી શક્યતા
3. પી.આઈ. મારામારી કરનારા લોકોને છોડાવવા પડ્યા હોવાનું દર્શાવાય તેવી શક્યતા
4. ત્રણેય પી.આઈ. ફરજ સિવાયના સમયે ઘટના બની હોવાનું દર્શાવાય તેવી શક્યતા
5. લોકસભા ચૂંટણી અને સ્ટાફ અછત દર્શાવી બદલીઓ કરી ફરજ પર પરત લેવાની શક્યતાં

તો 40માંથી 17 સેકન્ડનો જ વીડિયો વાયરલ થયો?


આ સમગ્ર મામલે હાલ તો આખો વીડિયો 40 સેકન્ડનો હતો, પરંતુ તેમાંથી 17 સેકન્ડનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. તેમજ બાકીની 23 સેકન્ડમાં વીડિયોમાં નડિયાદના એક અગ્રણી રાજકીય નેતાના નામની બિભત્સ ગાળો બોલાતી હોવાથી તે ભાગ કાપી નાખી માત્ર મારામારીનો વીડિયો વાયરલ કરાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, હજુ આ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Most Popular

To Top