Vadodara

તંત્ર બેદરકાર : વડોદરા કોર્પોરેશને ખોદેલા ખાડામાં ડમ્પર ફસાયું

વીઆઈપી રોડથી અયોધ્યા નગર તરફ જતા માર્ગે થોડા સમય પહેલા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી

આ વિસ્તારમાંથી ભારદારી વાહનો પસાર થતા લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ

વડોદરા કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. વુડા સર્કલ સામે વીઆઇપી રોડથી સહયોગ નગર જવાના મુખ્ય માર્ગ પર ડ્રેનેજની કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ નહિ કરતા એક ડમ્પર ખાડામાં ફસાઈ ગયું હતું. જ્યારે બીજી તરફ અહીં માર્ગ પર ખાનગી લકઝરી બસોનો પણ ખડકલો કરવામાં આવતા રસ્તો સાંકડો થતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ઉઘાડી પડી છે. શહેરના વુડા સર્કલ સામે વીઆઈપી રોડથી સહયોગ નગર જવાના મુખ્ય માર્ગ ઉપર ડમ્પર ફસાઈ ગયું હતું. આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે વીઆઇપી રોડ થી અયોધ્યા નગર, જલારામ નગર, સુન્દરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક તેમજ સહયોગ નગર જવાનો આ મુખ્ય માર્ગ છે, અહીં સ્કૂલ પણ આવેલી છે. બિલ્ડીંગ પણ આવેલી છે પરંતુ આ રોડની હાલત એટલી કફોડી છે કે આ રોડ પરથી લોકોને જવું આવું હોય તો એવું લાગે કે જ્યારે કોઈ ટ્રાફિક માંથી ન્યાય મંદિરની બહાર નીકળતા હોય એવી પરિસ્થિતિ છે. કારણ કે એક બાજુ લક્ઝરી બસનો ખડકલો કરવામાં આવે છે. ડમ્પર ચાલકો જાય છે સરકારી બસ પણ જાય છે સિટી બસની પણ અવર જવર છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યની કેમ ઊંઘ ઊડતી નથી એ સમજાતું નથી.

બીજી બાબત એ છે કે ટૂંક સમય પહેલા કોર્પોરેશન દ્વારા અહીંયા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ એ કામગીરી પોકળ કરવાના કારણે આ ડમ્પર ફસાયું છે. જો કોઈ સ્કૂલ બસ ફસાઈ ગઈ હોત અને બાળકોને જાનહાની થઈ હોત તો તેનો જવાબદાર કોણ, કોર્પોરેટર કહે છે કે અમે તો રોડ મંજુર કરાવી દીધો છે, પણ રોડ ક્યારે બનશે ? એ સમજાતું નથી. એટલે ક્યાંકને ક્યાંક કોર્પોરેટર અને ધારાસભ્ય લોલીપોપ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top