Editorial

ખેડૂત આંદોલન: સુપ્રીમ કોર્ટનો આદેશ કેન્દ્ર સરકાર માટે મોટા આંચકા સમાન છે

દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય કેન્દ્ર બની ચુક્યા છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.

શરૂઆતમાં તો ફક્ત પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ આ આંદોલન ચલાવી રહ્યા હોય તેમ લાગતું હતું પરંતુ બાદમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ તેમાં જોડાયા. આ ખેડૂત આંદોલન અદાલતમાં પણ પહોંચી ચુક્યું છે. નવા ખેત કાયદાઓને પડકારતી સંખ્યાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે તો બીજી બાજુ આ આંદોલનને લગતા વિવિધ મુદ્દાઓ ઉપાડતી કેટલીક અરજીઓ પણ સુપ્રીમ કોર્ટમાં થઇ છે.

આ અરજીઓની ૧૧ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી નીકળી અને  સુપ્રીમ કોર્ટે તેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું અને મંગળવારે તો તેણે નવા કૃષિ કાયદાઓનો અમલ નવા આદેશ સુધી મોકૂફ રાખવા આદેશ આપી દીધો, સર્વોચ્ચ અદાલતના આ વલણથી મોદી સરકાર આંચકો ખાઇ ગઇ હશે તે વાત સ્પષ્ટ છે.

સોમવારે કૃષિ કાયદાઓના વિરુદ્ધની અને દિલ્હીના બોર્ડર પોઇન્ટ્સ પર ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે મુદ્દાઓ ઉઠાવતી અરજીઓની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને ખખડાવતા કહ્યું કે ખેડૂત આંદોલનને કેન્દ્ર સરકાર યોગ્ય રીતે હાથ ધરી રહી નથી.

સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે મંત્રણાઓ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થઇ શકે તે માટે કૃષિ કાયદાઓનો અમલ અટકાવી દેવો જોઇએ. દેખીતી રીતે સુપ્રીમ કોર્ટના આ અભિગમથી કેન્દ્ર સરકારને સખત આંચકો લાગ્યો હશે કારણ કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા કેન્દ્ર સરકારના મંત્રીઓના વલણ પરથી એવું લાગતું હતું કે સુપ્રીમ કોર્ટ સરકારની તરફેણમાં જ આદેશ આપશે અને તેઓ ખેડૂતોને દાદ નહીં આપવાના પોતાના વલણમાં મક્કમ રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણી વખતે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ધરણા બાબતે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે અહિંસક આંદોલન કરવું એ સૌનો અધિકાર છે પરંતુ આ અધિકારનો ઉપયોગ કરતી વખતે અન્યોના મુક્ત રીતે હરીફરી શકવાના અધિકાર પર તરાપ પડવી ન જોઇએ.

સુપ્રીમ કોર્ટના આ અભિપ્રાયથી કેન્દ્ર સરકારે કદાચ એવું અનુમાન કર્યું હશે કે હવે ખેડૂત આદોલન બાબતે સુપ્રીમ કોર્ટ પોતાની તરફેણ કરે તેવો જ આદેશ આપશે. પરંતુ એવું થયું નથી તે કેન્દ્ર સરકાર માટે ચોક્કસ આંચકારૂપ બાબત છે. સોમવારે કેન્દ્ર સરકારની ટીકા કર્યા બાદ મંગળવારે તો સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાઓનો અમલ આગામી આદેશ સુધી અટકાવી દીધો છે અને ચાર સભ્યોની સમિતિ આ સમગ્ર બાબતના તમામ પાસાઓની સમીક્ષા, વિચારણા કરવા રચી છે.

એવો એક વ્યાપક અભિપ્રાય હતો કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓ બાબતે અહંકારી વલણ અપનાવી રહી છે અને સુપ્રીમ કોર્ટના આ આંદોલનને લગતા નિરીક્ષણથી આ અભિપ્રાયને બળ મળ્યું છે તે ચોક્કસ બાબત છે.

લાંબા સમયથી ચાલી રહેલ ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તેમ દેશની પ્રજા ઇચ્છે છે. આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપ પછી આમાં કંઇક સુખદ ઉકેલ આવે. સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિની ભલામણો બંને પક્ષોને સ્વીકાર્ય નિવડે અને ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તે દેશના અને દેશના કૃષિ ક્ષેત્રના હિતમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top