Business

અમેરિકામાં સ્થાયી થવાનું હવે વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે

અમેરિકી પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ ઇમિગ્રન્ટો માટે વધુ ને વધુ કઠણ પુરવાર થઇ રહી છે. અમેરિકામાં વિદેશોમાંથી આવતાં લોકોનો પ્રવાહ ઓછો કરવા અને અમેરિકામાં વસતાં ઇમિગ્રન્ટોને બહાર કાઢવા માટે ટ્રમ્પ પ્રશાસન અનેક પગલાંઓ ભરી રહ્યું છે. હાલમાં એક વૈશ્વિક સમાચાર સંસ્થા દ્વારા પ્રાપ્ત કરાયેલા સ્ટેટ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અને બે અનામી અમેરિકી અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માટે અરજી કરી ચૂકેલા અથવા હાલમાં આશ્રય મેળવવા માગતા ૨,૦૦૦,૦૦ સુધીનાં વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વિઝા રદ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આ નિર્ણયનો અમલ કરવામાં આવશે, તો તે અમેરિકાના ઇતિહાસમાં એક સાથે વિઝા રદ કરવાનો સૌથી મોટો કિસ્સો બનશે અને તેને કાનૂની પડકારોનો સામનો કરવો પડી શકે છે.

જો આ યોજનાને કોઈ કાનૂની પડકાર આપવામાં ન આવે અથવા તેમાં સુધારો કરવાની ફરજ ન પડે તો અમેરિકી વિદેશ વિભાગ આગામી અઠવાડિયામાં ૨૦૧૬ થી ૨૦૨૬ વચ્ચે આશ્રય માગનારા અથવા હાલમાં આશ્રય મેળવી રહેલાં લોકોને જારી કરાયેલા B1 અને B2 વિઝા રદ કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ પગલું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS)ના સમન્વયથી લેવામાં આવી રહ્યું છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે, “અમે એવાં વિદેશીઓનાં નોન-ઇમિગ્રન્ટ વિઝા ઓળખીને રદ કરવા માટે DHS સાથે સંકલન કરી રહ્યાં છીએ, જેઓ ટૂંકા ગાળાના મુલાકાતી તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ અહીં કાયમી ધોરણે રહેવા માટે આશ્રયની અરજી કરે છે.

તેમણે કેટલા વિઝા રદ થઈ શકે છે તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, આ પ્રક્રિયા સતત ચાલનારી હોવાથી, રદ થનારા વિઝાની સંખ્યા પરિવર્તનશીલ રહેશે અને તબક્કાવાર રીતે કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિઝા રદ થવાનો અર્થ એ નથી કે તેઓની તરત જ હકાલપટ્ટી કરવામાં આવશે. આશ્રય માટેના પેન્ડિંગ કેસ ધરાવતા મોટા ભાગનાં લોકોને ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે, પરંતુ તેઓ બિઝનેસ અથવા ટૂરિઝમ પ્રવાસી તરીકેનો પોતાનો દરજ્જો ગુમાવશે.

બિઝનેસ કે પર્યટન વિઝા પર અમેરિકા જઇને પછી ત્યાં રાજ્યાશ્રય માગીને સ્થાયી થઇ જવાનું હવે લગભગ અશક્ય બની જશે. આ તો ચાલાકીઓ વડે અમેરિકામાં સ્થાયી થવાની વાત થઇ. પરંતુ કાયદેસર રીતે પણ અમેરિકામાં જઇને ત્યાં સ્થાયી થવાનું મુશ્કેલ બની રહ્યું છે. એચવનબી વિઝાની ફી ખૂબ વધારી દેવાની એક દરખાસ્ત છે. આ વિઝા પર અનેક લોકો, જેમાં ભારતીયોનું મોટું પ્રમાણ છે તેઓ અમેરિકા કામ કરવા જાય છે અને લાંબો સમય ત્યાં રહ્યા બાદ ગ્રીન કાર્ડ મેળવીને સ્થાયી થવાનો પ્રયાસ કરે છે પરંતુ હવે આ ખૂબ જ મુશ્કેલ બની શકે છે.

પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે તેમની બીજી મુદત માટે પદ સંભાળ્યું ત્યારથી, તેમના વહીવટીતંત્રે વિઝા અરજદારો પરનાં નિયંત્રણો સતત કડક કર્યાં છે. આ પગલાંમાં સોશ્યલ મીડિયા હિસ્ટ્રી વિશે વધુ વિગતો માંગવી, વિઝા પ્રોસેસિંગ માટે મોંઘા બોન્ડ્સ મૂકવા અને ચોક્કસ દેશોના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. B1 વિઝા સામાન્ય રીતે વ્યાપારી હેતુ માટે જારી કરવામાં આવે છે, જ્યારે B2 વિઝા સામાન્ય રીતે પ્રવાસન, પારિવારિક મુલાકાતો અથવા તબીબી સંભાળ માટે જારી કરવામાં આવે છે. B1 અને B2 વિઝાના વર્તમાન અરજદારોને એવી પુષ્ટિ કરવા જણાવવામાં આવે છે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માટે અરજી કરશે નહીં અને તેઓ પોતાના દેશમાં પાછા ફરવાનો ઇરાદો ધરાવે છે તે દર્શાવવું પડે છે.

છેલ્લા ૧૮ મહિનામાં, સ્ટેટ ડિપાર્ટમેન્ટે નશામાં ડ્રાઇવિંગ કરવાથી લઈને બળાત્કાર અને લૂંટ જેવા ગુનાઓમાં દોષિત અથવા આરોપી લોકો તેમજ યુએસ નીતિઓ સામે જાહેરમાં વિરોધ કરનારા (ખાસ કરીને મધ્ય પૂર્વના મુદ્દાઓ પર) આશરે ૧,૭૫,૦૦૦ લોકોના વિઝા રદ કર્યા છે. વહીવટીતંત્રે કહેવાતા ‘બર્થ ટૂરિઝમ’ સામે પણ કાર્યવાહી કરી છે, જેનો ઉપયોગ વિદેશી સગર્ભા મહિલાઓ અમેરિકાનો પ્રવાસ બાળકને જન્મ આપવા માટે કરે છે જેથી તેમના બાળકને જન્મસિદ્ધ નાગરિકતાનો લાભ મળી શકે.

ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતા સમાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સહિતની અદાલતોએ તે પ્રયાસોને ફગાવી દીધા છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ H-1B કેપ-સબ્જેક્ટ અરજીઓ માટે અલગથી ૧૦૩,૨૬૫ ડોલરની ફીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પગલું વિદેશી કુશળ કામદારોને નોકરીએ રાખવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધારી શકે છે. આથી કંપનીઓ આવા વિઝા પર વિદેશોથી લોકોને બોલાવવાનું ઘટાડી શકે છે. ટૂંકમાં, અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન સિધ્ધ કરવાનું હવે વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. ટ્રમ્પની વિદાય પછી પણ કદાચ આ સિલસિલો ચાલુ રહી શકે છે.

Most Popular

To Top