Vadodara

પ્રિ મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારનાર અલ્પેશ મજમુદાર અને અનુપ પ્રજાપતિ પર કલ્પેશ જય રણછોડ બગડ્યા

વિસ્તારના કામો માટે કોર્પોરેટરે સિટી ઈજનેરને કર્યા ચરણસ્પર્શ

પાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ

વડોદરા: માંજલપુરમાં પ્રિ મોન્સુન કામગીરી યોગ્ય રીતે નહીં થવા મુદ્દે સત્તારૂઢ પક્ષના કોર્પોરેટર કલ્પેશ પટેલ (જય રણછોડ) અને સિટી ઈજનેર અલ્પેશ મજુમદાર તેમજ અનુપ પ્રજાપતિ વચ્ચે ઉગ્ર વાક્યયુદ્ધ થયું હતું. પ્રજાના કામ કરો એમ કહીને કલ્પેશ પટેલે મજુમદારના ચરણ સ્પર્શ કર્યા હતા. શહેરમાં અધિકારીઓ નગરસેવકોને ગાંઠતા નથી એ વાત આ ઘટના પરથી ફરી પુરવાર થઇ હતી.

કલ્પેશ પટેલ પોતાના વિસ્તારના બાકી પડેલા વિકાસકામોની રજૂઆત કરવા માટે સીધા ઈજનેરની કચેરીએ પહોંચી ગયા હતા. સિટી ઈજનેર સાથે ચર્ચા કર્યા બાદ બંને સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં કોર્પોરેટર કલ્પેશ પટેલને મજબૂરીવશ સિટી ઈજનેર અલ્પેશ મજુમદારને પ્રજાની સેવા માટે ચરણ સ્પર્શ કરવા પડ્યા હતા.

આ દ્રશ્યે આસપાસ હાજર રહેલા નાગરિકોને ચોંકાવી દીધા હતા અને બાદમાં સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં અધિકારીઓ પ્રત્યે નારાજગીની લાગણી પ્રસરી ગઈ હતી.

સ્થાનિકોનું કહેવું છે કે ઓનલાઈન પદ્ધતિથી તેઓ વારંવાર ફરિયાદો કરે છે, પરંતુ પાલિકા તરફથી જવાબ આવે છે કે, ફરિયાદનું નિવારણ થઈ ગયું છે. જો કે, વાસ્તવમાં સ્થળ પર ન તો કોઈ કામગીરી શરૂ થાય છે અને ન કામગીરી પૂર્ણ થાય છે. આ સ્થિતિથી લોકો હેરાન પરેશાન છે અને પાલિકા તંત્ર સામે ખુલ્લેઆમ રોષ ઠાલવી રહ્યા છે. કલ્પેશ પટેલે મજુમુદાર સામે ભ્રષ્ટાચારના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. કલ્પેશ પટેલે ચોમાસા પહેલા કોઈ કામગીરી થઈ ન હોવાની પોલ ખોલી કહ્યું હતું કે નવ વર્ષથી પાણી ભરવાની સમસ્યાઓ ઉકેલાતી નથી.

Most Popular

To Top