Entertainment

કોમેડિયનને લાફો માર્યા પછીના પડઘા વિલ સ્મિથને 10 વર્ષ સુધી સંભળાશે

ન્યુ યોર્ક: વિલ સ્મિથ (Will Smith) હોલીવુડના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર તેમની એક્ટિંગની ચર્ચાની સાથે ઓસ્કાર એવોર્ડને લઈને પણ વાતો ચાલી રહી છે. હોલીવુડ અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડના દિવસે સ્ટેજ પર તેની બીટ હોસ્ટ કરી રહેલા કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યો હતો. જો કે પાછળથી તેઓએ આ વર્તન બદલ માફી પણ માંગી હતી. પરંતુ એકેડમી મોશન ઓફ પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સએ (Oscar) વિલ સ્મિથ પર શુક્રવારે પ્રતિબંધ (Ban) લગાવી દીધા છે.એટલે કે, આગામી દાયકા (10 Years) સુધી વિલ સ્મિથ માત્ર ઓસ્કાર જ નહીં પરંતુ ઓસ્કાર દ્વારા આયોજિત અન્ય કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. હકીકતમાં ઓસ્કાર એવોર્ડના દિવસે કોમેડિયન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. છેલ્લા ઘણા સમયથી એલોપેસિયા નામની બીમારી સામે લડી રહેલી તેની પત્નીની મજાક વિલને પસંદ ન પડી અને તેણે ક્રિસ રોક પર હાથ ઉપાડ્યો.

વિલ સ્મિથના કૃત્યો માટે તેને સજા ફટકારનાર એકેડેમી એવોર્ડ કમિટીએ તેને મળેલો ઓસ્કાર પાછો ન લેવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં સ્મિથને કિંગ રિચર્ડ માટે ઓસ્કાર 2022માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવી અટકળો હતી કે તેમની થપ્પડને કારણે એકેડેમી એવોર્ડ કમિટી તેનો એવોર્ડ પાછો લઈ શકે છે પરંતુ તેમ થયું નથી. એકેડેમીના ગવર્નરોએ શુક્રવારે સવારે બોર્ડના સભ્યો સ્ટીવન સ્પીલબર્ગ અને વ્હૂપી ગોલ્ડબર્ગ સહિત બોર્ડના સભ્યોને સ્મિથ સામેની કાર્યવાહી અંગે ચર્ચા કરવા બોલાવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે કમિટીએ સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે. એકેડેમી એવોર્ડ્સના પ્રમુખ ડેવિડ રુબિન અને સીઈઓ ડોન હડસન દ્વારા જારી કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે નિર્ણય લીધો છે કે 8 એપ્રિલ, 2022 થી શરૂ થતા 10 વર્ષના સમયગાળા માટે વિલ સ્મિથને વર્ચ્યુઅલ રીતે કોઈપણ એકેડેમી ઇવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જો કે વિલ સ્મિથે પહેલાથી જ 29 માર્ચના રોજ મોશન પિક્ચર ઓફ એકેડમીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતી વેળા એક્ટરે એવું પણ કહ્યું કે બોર્ડ જે પણ નિર્ણય લેશે તે તેમને સ્વીકાર્ય રહેશે. એકેડેમી એવોર્ડ કમિટી દ્વારા બહાર પડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 94મો ઓસ્કાર એ ઘણા લોકોની સફળતાની ઉજવણી કરવા માટે હતો. જેમણે છેલ્લા એક વર્ષમાં અવિશ્વસનીય કાર્ય કર્યું છે. તેથી જ વિલ સ્મિથની ક્રિયાઓના પ્રતિભાવમાં એકેડેમી એવોર્ડ કમિટી જે પગલાં લઈ રહી છે તે તેમના કલાકારો અને મહેમાનોની સલામતીનું રક્ષણ કરવા માટે તેમનું વધુ એક પગલું છે.

Most Popular

To Top