Entertainment

રણવીરનું સરકસ ક્રિસમસ સુધારશે?

ફિલ્મોદ્યોગ ઇચ્છી રહ્યો છે કે એક પછી બીજી, બીજી પછી ત્રીજી અને એમ સતત સફળ ફિલ્મોથી વાતાવરણ બદલાઇ જાય. હમણાં થોડી ફિલ્મો સફળ પણ થઇ છે અને તે સાઉથની નહોતી. મુંબઇના હિન્દી ફિલ્મોદ્યોગને સાઉથની ફિલ્મો સાથે તુલના પસંદ નથી અને તેની સામે પોતે નિષ્ફળ છે એવું તો જરાય સ્વીકાર્ય નથી. ગમે તેમ પણ નિષ્ફળતાની અસર આખા બજાર પર પડે છે. પ્રોડકશનનાં અર્થકારણ પર પડે છે. સ્ટાર્સને તેમની ફી ઓફી કરવી પડે છે. શું આ બધા સંજોગોને ‘સરકસ’ બદલશે? રોહિત શેટ્ટીની એક પણ ફિલ્મ અત્યાર સુધી નિષ્ફળ નથી થઇ. છેલ્લાં વર્ષોમાં તે તેના ખાસ મિત્ર અજય દેવગણને બાજુ પર રાખી રણવીર સીંઘને ચાન્સ આપી રહ્યો છે.

સંજીવકુમાર – દેવેન વર્મા, મૌસમી ચેટરજી, દીપ્તિ નવલ, અરુણા ઇરાની અભિનીત ગુલઝારની ‘અંગૂર’ તમને યાદ હશે. રોહિત શેટ્ટીએ તેની જ રિમેક તરીકે ‘સરકસ’ બનાવી છે. રણવીર આ ફિલ્મમાં સંજીવકુમારની જેમ ડબલરોલ કરે છે. હા, આ ફિલ્મમાં રોહિત શેટ્ટીએ એવો ફેરફાર કર્યો છે કે રણવીર આમાં સરકસનો મેનેજર બન્યો છે અને તેની સાથે તેનો જિમ્નાસ્ટિક દોસ્ત છે. તે બંને થઇ ફરી સરકસની સંસ્કૃતિ પાછા લાવવા મથે છે અને તે બંને જોડકા ભાઇ ધરાવે છે. ડબલ રોલમાં લોકોને હંમેશ મઝા આવી છે કારણકે કાંઇને કોઇ લોચા થતા જ રહેવાના. રણવીર સાથે આ ફિલ્મમાં વરુણ શર્મા છે અને તે ઉપરાંત જહોની લિવર, સંજય મિશ્રા, વ્રજેશ હીરજી, મુકેશ તિવારી, ટીકુ તલસાણિયા જેવા કોમેડિયનો છે એટલે કે ફિલ્મ સફળ જવાનો પૂરતો મસાલો છે. પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસ છે.

ક્રિસમસ ટાણે ફિલ્મ રજૂ થઇ રહી છે એટલે રોહિત અને રણવીર વધારે આશા રાખી શકે. રણવીર કાંઇ સંજીવકુમાર નથી અને રોહિત શેટ્ટી ગુલઝાર નથી એટલે ફિલ્મ ઘણી જુદી પડી જશે. રણવીરને ‘જયેશભાઇ જોરદાર’ આ વર્ષે જ આવી હતી પણ જોરદાર પુરવાર નહોતી થઇ. હા, ગયા વર્ષે ‘૮૩’ અને ‘સૂર્યવંશી’ આવી હતી. ‘સરકસ’ થી તે ૨૦૨૨ ના વર્ષને પૂરું કરશે અને ૨૦૨૩ ની ‘તખ્ત’, ‘રોકી ઔર રાણીકી પ્રેમ કહાની’, ‘બૈજુ બાવરા’ અને શંકર સાથેની ફિલ્મનો ઇંતેજાર કરશે. હમણાં સંજય લીલા ભણસાલી સાથેની તેની ફિલ્મ નથી આવી પણ ‘બૈજુ બાવરા’ ભણશાલીની જ ફિલ્મ છે. રણવીર કોમેડી, એકશન, ઇતિહાસનો આધાર ધરાવતી ફિલ્મ પછી સંગીતમય પ્રેમકથાવાળી ફિલ્મમાં કામ કરે છે તે તેની વર્સેટાઇલ એકટર તરીકેની ક્ષમતા સૂચવે છે.  રણવીર ખૂબ એનર્જેટિક અભિનેતા છે.

એક ભૂમિકા ભજવતો હોય તો લાગે કે તે ૩-૪ ફિલ્મની ઊર્જા તેમાં નાંખી રહ્યો છે. તેનામાં બરછડપણું છે. વિચિત્ર વસ્ત્રો પહેરે છે. હમણાં ‘સરકસ’ના પ્રમોશન દરમ્યાન એક બાળકને રડતો જોયો તો તેણે તેને તેડી લીધો હતો. તે ખાસ્સો ભાવુક અને બીજા માટે પ્રોટેકિટવ હોય  છે. પણ તે તો ‘સરકસ’ની સફળતા પછી જ હસશે. તેની ડબલ એનર્જી ડબલ રોલમાં કેવી કામ લાગી તે પણ જોવાનું રહેશે. આ દરમ્યાન દીપિકા પાદુકોણ પણ ‘પઠાણ’ રજૂ થાય તેની તૈયારીમાં છે. રણવીર-દીપિકા ફિલ્મોમાં એટલા બિઝી છે કે માતા-પિતા થવાથી હમણાં દૂર રહે છે. ૨૦૨૩ ના અંત સુધીમાં આ વિશે વિચારે તો નવાઇ નહીં. તેઓ કુટુંબને આગળ વધારવા કરતાં ફિલ્મો તરફની જવાબદારી વધારે અનુભવે છે. •

Most Popular

To Top