Business

પશ્મિના ‘રોશન’ થશે કે ‘શ્રધ્ધા’ ફળશે?

ઇશ્ક-વિશ્કવાળી ફિલ્મ હોય તો તેને પ્રેક્ષકો મળી જ રહે છે અને તેના નવા નવા કળાકારોને ચર્ચા પણ મળી રહે છે. બિલકુલ આવી આશા સાથે અત્યારે પશ્મિના રોશન ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’માં કામ કરી રહી છે. સંગીતકાર રોશનની પૌત્રી છે, સંગીતકાર પિતા રાજેશ રોશનની દીકરી છે, કાકા અને અભિનેતા રાકેશ રોશનની ભત્રીજી છે અને ઋતિક રોશનની કાકાબહેન છે એટલે તે ઝળહળતી સફળતાની આશા કરે તે ખોટું ય નથી. 2024ને કેટલાક ફ્રેશ ચહેરાની જરૂર છે અને આજની યુવા પેઢી પોતાના સમયની લવસ્ટોરી ઇચ્છે છે તો પશ્મિનાને ચાન્સ છે. હા, એ ફિલ્મમાં જ તેને નૈના ગ્રેવાલ ચેલેંજ કરશે અને
જાનમરાજ નામની ત્રીજી યુવા અભિનેત્રી પણ છે. પણ પશ્મિના પોતાના વિશે કોન્ફિડન્ટ છે. પશ્મિના સાથે અલબત્ત અન્ય નવી અભિનેત્રીઓ પણ આવી રહી છે અને તે બધી પોતાની જગ્યા માટે દાવેદારી કરશે. જે નવી અભિનેત્રીઓ આવી રહી છે તેમાં કેટલીક એવી છે જેની કારકિર્દીનો હજુ આરંભ જ થશે તો કેટલીક એવી છે જે સાઉથમાં ઘણું કામ કર્યા પછી હિન્દીમાં શરૂઆત કરે છે. આ વર્ષે એવા નામમાં એક શ્રધ્ધા છે. તે ‘લેટર્સ ટુ મિ. ખન્નામાં આવી રહી છે. કહે છે કે તેમાં આવનારા સમયની સ્ટોરી છે. નીતુ કપૂર, સની કૌશલ સાથેની એ ફિલ્મમાં શ્રધ્ધા શ્રીનાથ શું કમાલ કરશે તે ખબર નથી પણ તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરતાં કહ્યું છે કે મેં શ્રેષ્ઠ લોકો સાથે શ્રેષ્ઠ સમય વિતાવ્યો છે.
શ્રધ્ધા શ્રીનાથ ‘વિક્રમ વેધા’ અને ‘જર્સી’ માટે જાણીતી છે. તેલુગુમાં ‘જર્સી’ બનેલી ત્યારે તેની હીરોઇન તે જ હતી. હકીકતે ‘જર્સી’ રજૂ થઇ તે વર્ષે જ ‘મિલન ટોકિઝ’માં તે મૈથિલી અને જાનકી કુમારી તરીકે આવી હતી. હિન્દી ફિલ્મમાં શરૂઆત કર્યા પછી તેને તેલુગુ, તમિલ, મલયાલમ ફિલ્મોની વ્યસ્તતા છોડતી નહોતી. અભિનયના અનેક એવોર્ડ મેળવી ચૂકેલી શ્રધ્ધા મૂળ દક્ષિણનાં રાજ્યોની નથી. તેનો જન્મ તો જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં થયો છે. પણ તેની પહેલી જ મલયાલમ ફિલ્મ ‘કોહીનૂર’ ખૂબ સફળ રહી અને ‘યુ ટર્ન’ નામની કન્નડ થ્રીલર તો ચારે બાજુ ચર્ચામાં રહી પછી તે સતત સારી ફિલ્મો મેળવતી રહી છે. ‘વિક્રમ વેધા’માં તે આર. માધવન, વિજય સેતુપથી સાથે હતી પણ હિન્દી રિમેકમાં ચાન્સ ન લાગ્યો. તે આવા અફસોસ નથી કરતી. તેના પિતા ભારતીય લશ્કરની કુમાઉ રેજિમેન્ટમાં ઓફીસર રહી ચૂકયા છે એટલે લડાયક મિજાજ તો તેને કુટુંબમાંથી જ મળ્યો છે. આ વર્ષે તે કન્નડ ‘રુદ્રપ્રયાગ’ તમિલ ‘કલિયુગમ’ સાથે હિન્દી ફિલ્મમાં આવશે.
આ બંનેએ શનાયા કપૂર, સુહાના ખાન, સંભવિત રીતે ફિલ્મો માટે તૈયાર રાશા થડાની વગેરે વચ્ચે સ્પર્ધા રચી શકે તો આવતી કાલ વધારે ચમકદાર પુરવાર થશે. પશ્મિના જાણે છે કે તેમનું કુટુંબ ફિલ્મોમાં વર્ષોથી પ્રતિષ્ઠા ધરાવે છે અને તેણે આ પ્રતિષ્ઠા આગળ વધારવાની છે. તો શ્રધ્ધા શ્રીનાથ પોતાની અભિનયક્ષમતા પર વિશ્વાસ ધરાવે છે અને કામથી છવાઇ જવામાં માને છે.બાકી તો સમયનો સિક્કો ઉછળે પછી જ ખબર પડે કે કાંટ છે કે છાપ? •

Most Popular

To Top