Business

કન્હૈયા અને જિજ્ઞેશ બે યુવા ચહેરા કોંગ્રેસની નૈયાને પાર લગાડશે?

ગયા અઠવાડિયે 28 સપ્ટેમ્બરના રોજ સવારથી સમાચાર વહેતા થયા હતા કે, રાહુલ ગાંધી આજે પાર્ટીમાં બે યંગ ચહેરાને સામેલ કરશે. ત્યાર બાદ પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ થશે. દરમિયાન બપોરે ત્રણ વાગ્યે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામાનો બોમ્બ ફેંક્યો! કોંગ્રેસ હોય કે પત્રકારો, તે દિવસે ઝડપથી બદલાતી ઘટનાઓમાં એટલી બધી માહિતી આવી કે બધા ચોંકી ગયા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ બે નવા સાથીઓ સાથે મીડિયા સમક્ષ હાજર થવાનું હતું પણ કોંગ્રેસના તમામ પ્રવક્તાઓને પંજાબ એપિસોડ પર મીડિયાને જવાબો આપવાની ફરજ પડી હતી. પંજાબ પર ઘણું પોલિટિક્સ થયું પણ આજે આપણે વાત કરશું એ બે ચહેરાઓની જેમની સિદ્ધુના રાજીનામાની સિક્સરથી લાઈમલાઈટ છીનવાઈ ગઈ હતી.

આ બે ચહેરા હતા – કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી. કોણ છે આ બંને? નામથી આપણે બધા પરિચિત છીએ પણ આ બે ચહેરા પાછળની અસલી કહાણી શું છે? પહેલા વાત કન્હૈયા કુમારની. 9 ફેબ્રુઆરી, 2016. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કેટલાક અજાણ્યા લોકોએ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની ફાંસી સામે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ લાગ્યો હતો. ભારે હોબાળો મચી ગયો હતો. કન્હૈયા કુમાર તે સમયે  JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ હતા. પોલીસે 12 ફેબ્રુઆરીએ કન્હૈયા કુમારની ધરપકડ કરી હતી.

લગભગ 20 દિવસ જેલમાં વિતાવ્યા બાદ કન્હૈયાને જામીન મળી ગયા હતા. જેલમાંથી પરત આવેલા કન્હૈયાનું  JNUમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેલમાંથી પરત ફર્યા બાદ તેમનાx ભાષણોએ દેશમાં તહેલકો મચાવી દીધો હતો. ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને લીધે કન્હૈયાનો ચહેરો રાતોરાત રાષ્ટ્રીય ફલક પર ચમકવા માંડ્યો હતો. એવું સમજો કે કન્હૈયાને રાષ્ટ્રીય સ્તરની માન્યતા મળી ગઈ હતી અને તે સરકાર વિરોધી ચળવળોમાં તે દેખાવા લાગ્યો હતો. દેશ વિરોધી સૂત્રોચ્ચાર કેસમાં દિલ્હી પોલીસે કન્હૈયા સહિત 10 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલો હજુ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

આપણને સવાલ થાય કે, કોણ છે આ કલિયુગનો કન્હૈયા? કન્હૈયા બિહાર બેગુસરાય જિલ્લાનો વતની છે. કનૈયાએ બિહારથી તિહાર સુધી જેલમાં વિતાવેલા દિવસો પર એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિથી લઈને  JNU  અને પછી જેલ સુધીની સમગ્ર વાર્તા કહી હતી. પુસ્તકની આગળની વાર્તા બિહારથી શરૂ થઈ હતી. કન્હૈયા વિદ્યાર્થી નેતાથી નેતા બનીને બિહાર પરત ફર્યા હતા. 2018માં  CPIએ કન્હૈયાને તેની રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં કન્હૈયા કુમાર બેગુસરાયથી મેદાનમાં ઊતર્યા હતા. તેનો સામનો ભાજપના ગિરિરાજ સિંહ અને RJDના તનવીર હસન સામે હતો. CPI 2019ની લોકસભા ચૂંટણીમાં RJDની આગેવાની હેઠળના મહાગઠબંધનનો ભાગ નહોતી. આની પાછળનું કારણ કન્હૈયા કુમાર હતા. RJDના પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું હતું કે CPI અને  RJDનું જોડાણ હોઈ શકે નહીં કારણ કે  RJD બેગુસરાયમાં તેના ઉમેદવાર તનવીર હસનની લોકપ્રિયતા સાથે સમાધાન કરી શકે નહીં.

જો કે, રાજકીય વિશ્લેષકોએ એ વખતે જણાવ્યું હતું કે તનવીર હસનની લોકપ્રિયતા કરતાં કન્હૈયા કુમારનું કદ રાજનીતિમાં વધી ગયું છે. જો કન્હૈયાએ ચૂંટણી જીતી હોત તો રાજ્યમાં તેજસ્વી યાદવની સામે એક મજબૂત હરીફ ઊભો રહેત.  RJD ઇચ્છતી નહોતી કે આવું થાય. 2019ની લોકસભા ચૂંટણીમાં ગિરિરાજ સિંહે કન્હૈયાને 4,00,000થી વધુ મતોથી હરાવ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ લાંબા સમય સુધી કન્હૈયા કુમાર જાહેર મંચ પરથી ગુમ રહ્યા હતા. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે CAA -NRC વિરુદ્ધ રેલીઓ શરૂ કરી હતી. પહેલા દિલ્હીમાં અને પછી બિહારમાં કન્હૈયાએ CAA -NRCના મુદ્દે ઘણી જન ગણ મન યાત્રાઓ કાઢી હતી.

આ યાત્રા દરમિયાન રેલીઓમાં કન્હૈયાને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હતી.  જો કે, આ સમય દરમિયાન તેમના પર ઘણી જગ્યાએ હુમલાઓ પણ થયા હતા. આ બાબતનો રાજકીય ફાયદો એ થયો કે 2020ની વિધાનસભાની ચૂંટણીમાં RJDને ગઠબંધન માટે સંમત થવું પડ્યું હતું. મહાગઠબંધને તેજસ્વી યાદવના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કન્હૈયાની સક્રિયતા પર પણ ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. કન્હૈયા પોતે ઉમેદવાર ન હતા, પરંતુ તેઓ કેટલીક બેઠકો સિવાય ક્યાંય પણ પ્રચાર કરવા ગયા ન હતા. ત્યારથી કન્હૈયા લગભગ સમાચારોની બહાર હતા. હવે પરત કોંગ્રેસમાં જોડાઈને સક્રિય થયા છે.

હવે વાત કરીએ ગુજરાતના યુવાનેતા જિજ્ઞેશ મેવાણીની. 11 જુલાઈ, 2016. ગુજરાતના ઉનામાં સ્થાનિક લોકોએ દલિત સમાજના કેટલાક લોકોને માર માર્યો હતો. તેમને માર મારનારાઓનો આક્ષેપ હતો કે, આ લોકો ગાયોને મારી રહ્યા છે. જેમને માર મારવામાં આવ્યો તેઓએ એવું કહ્યું હતું કે – ગાય મરી ગઈ છે અને તેઓ શબમાંથી ચામડી કાઢી રહ્યા છે. હુમલાની આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાના એક મહિના અને 4 દિવસ બાદ એટલે કે 15 ઓગસ્ટના રોજ એક દલિત યુવકે લગભગ 20000 લોકોની હાજરીમાં જાહેરાત કરી હતી કે તેઓ હવે ગાયની ચામડી ઉતારવાનું કામ નહીં કરે. આ જાહેરાતથી યુવાન દલિતોના નવા નેતા બની ગયા હતા, નામ હતું – જિજ્ઞેશ મેવાણી.

ઉના ઘટનાનો અવાજ સંસદ સુધી ગુંજ્યો હતો. જિજ્ઞેશ મેવાણીને પણ આ બાબતનો ફાયદો થયો હતો અને રાષ્ટ્રીય સ્તરે ઝડપથી ઉભરી આવ્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત બહાર પણ રેલીઓ કાઢવાનું શરૂ કર્યું હતું અને દેશના દલિત યુવાનોમાં લોકપ્રિય બની ગયો હતો. પોતાની રેલીઓ દરમિયાન મેવાણી સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી લે છે. તેમના નિવેદનને લઈને ઘણી વાર વિવાદો પણ ઊભા થઈ ચૂક્યા છે. અલબત્ત, જિજ્ઞેશ મેવાણીનાં અમુક નિવેદનો તો એટલાં વિવાદિત બની ચૂક્યાં છે કે વાત ના પૂછો. ક્યારેક તેઓ એવું કહે છે કે વડા પ્રધાન હવે વૃદ્ધ થઈ ગયા છે, તેમણે હિમાલય પર જઈને તેમના હાડકાં ઓગાળી દેવા જોઈએ! અને ક્યારેક તેઓ યુવાનોને કહે છે કે તેઓ વડાપ્રધાનની સભામાં પ્રવેશ કરે અને ખુરશીઓ હવામાં ફેંકી દે. આ સિવાય ભીમા-કોરેગાંવ હિંસા કેસમાં મહારાષ્ટ્ર પોલીસે જિગ્નેશ વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ કેસ પણ નોંધ્યો છે.

લાંબા સમયથી જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, હવે તેને મંજૂરી આપવામાં આવી છે. હા, એક વાત અહીં જણાવી દઈએ કે, જિજ્ઞેશે કોંગ્રેસમાં જોડાવાની હા ભણી દીધી છે પણ સત્તાવાર રીતે હાલ તે જોડાયો નથી! એનું એક કારણ એ છે કે, હાલ તે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાય જાય તો, ગુજરાતમાં અપક્ષ  MLA તરીકેની વડગામની બેઠક ખાલી કરવી પડે. ગુજરાતમાં એક વર્ષ પછી આમ પણ ચૂંટણી થવાની છે ત્યારે મેવાણી વડગામની પોતાની પ્રજાને છોડવા માંગતા ન હોવાથી કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો નથી. ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થયા પછી તે સત્તાવાર કોંગ્રેસ જોઈન કરશે. કન્હૈયા કુમાર અને જિગ્નેશને આવકારતા પોસ્ટરો પાર્ટી ઓફિસની બહાર લગાવવામાં આવ્યા હતા.

આ સાથે રાહુલ ગાંધીની તસવીરો પણ મૂકવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના નેતાઓ આ બંને નેતાઓના પક્ષમાં પ્રવેશ પર સવાલો ઊભા કરી રહ્યા છે. મનીષ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે કેટલાક સામ્યવાદી નેતાઓ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો છે. આવી સ્થિતિમાં 1973માં પ્રકાશિત ‘કોમ્યુનિસ્ટ ઇન કોંગ્રેસ’ વાંચવું જોઈએ, જેટલી વધુ વસ્તુઓ બદલાય છે, તેટલી જ તે સમાન લાગે છે. ભાજપે કન્હૈયા અને જિજ્ઞેશના બહાને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, કોંગ્રેસની આદત છે, જેમણે ભારતના ટુકડા  કરવાની કોશિશ કરી છે તેમની સાથે હાથ મિલાવવો. એકંદરે 28 સપ્ટેમ્બરે ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ થિયેટરમાં ઘણું બધું ભજવાઈ ચૂક્યું છે. હજુ ઘણા ખેલ થવાના બાકી છે.

Most Popular

To Top