Columns

ભારત વિરુદ્ધ જંગે ચડેલા ખાલિસ્તાની આતંકવાદીઓને કોણ ખતમ કરી રહ્યું છે?

આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક વધી ગયો છે. આતંકવાદીઓએ તેમની ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ દ્વારા ભારતમાં રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભારતમાં અશાંતિ ફેલાવવા માંગતા આ ખાલિસ્તાની આતંકવાદીઓને હવે એક પછી એક મારવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાંથી ભારત વિરોધી ઓપરેશન ચલાવી રહેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊઠી રહ્યો છે કે આ આતંકવાદીઓને કોણ મારી રહ્યું છે? શું હવે ખાલિસ્તાનનો અંત નજીક છે? આ સમજવા માટે જે આતંકવાદીઓ માર્યા ગયા છે તેમના ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.

(૧) હરદીપ સિંહ નિજ્જરઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હરદીપ સિંહ નિજ્જર કેનેડામાંથી ભારત વિરુદ્ધ ઓપરેશન ચલાવતો હતો. રવિવારે સાંજે ગુરુદ્વારા સાહિબ પરિસરમાં જ બે અજાણ્યા હુમલાખોરોએ હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ૪૬ વર્ષીય હરદીપ સિંહ નિજ્જર ભારતના જલંધરનો રહેવાસી હતો. તે ભારત વિરુદ્ધ ખાલિસ્તાન તરફી યુવાનોને ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય તે ખાલિસ્તાનની માંગણી માટે પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા દેશો પાસેથી ફંડ એકઠું કરતો હતો.

હરદીપ સિંહ નિજ્જર ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો. વર્ષ ૨૦૧૮ માં પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કેનેડા ગયા હતા. તે દરમિયાન તેમણે કેનેડાના વડા પ્રધાનને ખાલિસ્તાની મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી સોંપી હતી, જેમાં હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ સામેલ હતું. આ સિવાય નિજ્જર અમેરિકા, બ્રિટન, જર્મની અને કેનેડામાં ભારતીય મિશનની બહાર પ્રદર્શનો યોજતો હતો. હરદીપ સિંહ નિજ્જરના માથે ૧૦ લાખનું ઇનામ હતું.

(૨) અવતાર સિંહ ખંડા: તાજેતરમાં પંજાબમાં ધમાલ મચાવનારા વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહને  મદદ કરનારો અવતાર સિંહ ખંડા પણ મૃત્યુ પામ્યો છે. ગયા અઠવાડિયે યુકેની એક હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું. અવતાર સિંહના મૃત્યુને લઈને હજુ પણ રહસ્ય યથાવત્ છે. કેટલાક લોકો દાવો કરે છે કે તેને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અવતાર સિંહ ખંડાના મૃત્યુનું કારણ ફુડ પોઈઝનિંગ હોવાનું કહેવાય છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર તેને બ્લડ કેન્સર હતું. અવતાર સિંહ ભારતના શીખ યુવાનોને દેશ વિરુદ્ધ ઉશ્કેરતો હતો.

(૩) પરમજીત સિંહ પંજવાડઃ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો વડો અને કુખ્યાત આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ પણ માર્યો ગયો છે. તા. ૭ મેના રોજ પાકિસ્તાનના લાહોરમાં કોઈએ તેની હત્યા કરી હતી. ભારતની ઘણી એજન્સીઓ છેલ્લાં 30 વર્ષથી પંજવાડ પાછળ હતી. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF) ના વડા પરમજીત સિંહ પંજવાડ એ 1990 ના દાયકા દરમિયાન પંજાબમાં આતંકવાદની કરોડરજ્જુની રચના કરનારા કેટલાક આતંકવાદી નેતાઓમાંનો એક હતો. તેણે પંજાબમાં ખાલિસ્તાન માટે સમર્થનની લહેર જગાવી હતી.

પરમજીત સિંહ પંજવાડ આતંકવાદીઓ સાથે જોડાતાં પહેલાં સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં કામ કરતો હતો. ભૂતપૂર્વ KCF ચીફ સુખદેવ સિંહ સુખા ઉર્ફે જનરલ લાભ સિંહ પંજવાડ પણ આ જ ગામનો હતો અને તેના પરમજીત સિંહ સાથે પારિવારિક સંબંધો છે. લાભ સિંહ પંજવાડ માટે બળવો કરવાનો મુખ્ય સ્રોત હતો. તેને જોઈને બેંકમાં કામ કરતો એક સાદો માણસ દેશનો મોસ્ટ વોન્ટેડ આતંકી બની ગયો. તરનતારન જિલ્લાના પંજવાર ગામમાં જન્મેલા પરમજીત સિંહ પંજવાડની ઉંમર ૬૦ વર્ષની હતી. આ ગામ ભારત-પાકિસ્તાન બોર્ડરથી દૂર નથી. પરમજીત સિંહ પંજવાડ ઘણી વાર ગુપ્ત રીતે પાકિસ્તાન જતો હતો. તે પંજાબમાં બેસીને પાકિસ્તાન સાથે સહયોગ કરીને દેશની શાંતિને ખલેલ પહોંચાડી રહ્યો હતો.

આ આતંકવાદીઓને કોણ મારી રહ્યું છે? આ સમજવા માટે પંજાબના એક પત્રકારે સંરક્ષણ નિષ્ણાત કર્નલ (નિવૃત્ત) અરુણ સાહા સાથે વાત કરી. તેમણે કહ્યું કે ‘‘દેશની બહાર રહેતા આતંકવાદીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. આતંકવાદીઓના પણ દુશ્મનો હોય છે. શક્ય છે કે તેની પણ તેના જ લોકો દ્વારા હત્યા કરવામાં આવી હોય. આ આતંકવાદીઓનો ખાત્મો એ ભારત માટે સારા સમાચાર છે. જીવિત રહીને તેઓ ભારતમાં ખાલિસ્તાનની પકડ મજબૂત કરવામાં વ્યસ્ત હતા. તેઓએ ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં નાશ પામેલા ખાલિસ્તાની આંદોલનને પુનઃજીવિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. આમાં પાકિસ્તાન અને ચીનનો પણ  હાથ છે.

આ બંને દેશો ભારતમાં સ્થિરતા ઈચ્છતા નથી. આ જ કારણ છે કે આ ખાલિસ્તાની આતંકવાદીઓને મોટા પાયે ફંડ મળે છે.’’તો શું હવે ખાલિસ્તાનીઓ ખતમ થઈ જશે? કર્નલ અરુણે તેના જવાબમાં કહ્યું કે ‘‘આ કહેવું ઘણું વહેલું છે. જો કે, ભારત સરકારે ચોક્કસપણે ઘણાં નક્કર પગલાં લીધાં છે. ભારતની એજન્સીઓ ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને સતર્ક છે અને જરૂરી પગલાં લઈ રહી છે. એ નિશ્ચિત છે કે આવનારા દિવસોમાં ખાલિસ્તાની ચળવળ હવેની સરખામણીમાં ચોક્કસપણે નબળી પડશે. ભારતમાં રહેતા ખાલિસ્તાન સમર્થકો સામે સરકાર સીધી કાર્યવાહી કરી શકે છે, પરંતુ બહાર રહેતાં લોકો પર કાબૂ મેળવવો સરળ નથી. આવી સ્થિતિમાં સરકાર પણ રાજદ્વારી રીતે કામ કરી રહી છે. સરકાર કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો સાથે મળીને આ દિશામાં કામ કરી રહી છે.’’

કેનેડાની ધરતી, જે એક સમયે ખાલિસ્તાની તરફી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન હતી, તેના પર લોહિયાળ ગેંગવોરને કારણે ખાલિસ્તાની તરફી હરદીપ નિજ્જરના જીવનનો ખાતમો થયો છે. નિજ્જરને સોમવારે સરેમાં બે બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં નિજ્જરનું નામ સામેલ હતું, જેમાં ૪૦ અન્ય નામચીન આતંકવાદીઓનાં નામો પણ હતાં. વર્ષ ૨૦૨૨માં પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યા પછી નિજ્જર પર રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ૧૦ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. નિજ્જર પર ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદીઓને તાલીમ આપવાનો અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) ને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.         

પાકિસ્તાન, બ્રિટન અથવા કેનેડાના સુરક્ષિત આશ્રયસ્થાનો હવે ભારતમાં વોન્ટેડ એવા ખાલિસ્તાની તરફી ભાગેડુઓ માટે સલામત રહ્યાં નથી. આ ભાગેડુઓના ગુનાહિત ઈતિહાસને જોતાં તેઓ યજમાન દેશ માટે પણ માથાના દુખાવા સમાન બની રહ્યા છે. આતંકવાદીઓને પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં નવી દિલ્હી દ્વારા કરવામાં આવી રહેલી ઝડપી આતંકવાદ વિરોધી કાર્યવાહીને કારણે મોટો આંચકો લાગ્યો છે. પરિણામે આ આતંકવાદી સંગઠનો પર ભારે દબાણ છે. તેમનું નાણાંકીય નેટવર્ક સુકાઈ રહ્યું છે અને પાકિસ્તાની હેન્ડલર્સ ખુલ્લા પડી રહ્યા છે. જો ભારત સરકાર દ્વારા આવી જ રીતે વિદેશની સરકારો પરનું દબાણ ચાલુ રાખવામાં આવશે તો આતંકવાદીઓને મળતી મદદ બંધ થઈ જશે અને તેઓ કદાચ અંદરોઅંદર લડીને સાફ થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top