Dakshin Gujarat

અમેરિકાના ટેક્સાસના ફાયરીંગને આંખે જોનાર વલસાડના વકીલે કહ્યું, જો બે મિનિટ મોડા…

વલસાડ : જીવનની આ ઘટના ક્યારેય ભુલાઇ એવી નથી. ચારો તરફ આક્રંદ સાથે રૂદન સાથે સાથે ફાયરિંગનો (Firing) ધમધમાટ જાણે કોઇ મોલમાં નહીં, પરંતુ યુદ્ધ મેદાનમાં ફસાઇ ગયા હોય એવું લાગ્યું હતુ. હું મારા પુત્ર સાથે સ્કેચર્સના આઉટલેટમાં પ્રવેશ્યો અને ત્યારે ફાયરિંગ થયું એટલે દુકાનના મેનેજરે તરત જ દરવાજો બંધ કરી દીધો અને અમને સ્ટોર રૂમમાં પૂરી દીધા.

અમે દોઢ કલાક સુધી સ્ટોર રૂમમાં પુરાયેલા રહ્યા. ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે પણ રાહત થઇ ન હતી. અજંપા અને ડરની લાગણી સાથે પોલીસ પ્રોટેક્શન સાથે બહાર નીકળ્યા અને પત્ની તેમજ બાળકીને મળ્યા ત્યારે દિલને થોડો સંતોષ પહોંચ્યો, પરંતુ હજુ પણ એ ફાયરિંગની ઘટનાના કારણે એન્ઝાઇટી જેવી લાગણી શરીરમાં અનુભવાઇ રહી છે.

આ શબ્દ હતા વલસાડના વકીલ ચેતન પટેલ (રાબડા)ના જેઓ અમેરિકાના ટેક્સાસના મોલમાં (America Texas Mall Firing ) ફાયરિંગ થયું ત્યારે ત્યાં જ ફસાઇ ગયા હતા. ફાયરિંગ તેમનાથી માત્ર 20 ફૂટ દૂર થયું હતુ. જેનો ખોફ તેમના મનમાં જ નહીં, અંતરમનમાં પણ ઉતરી ગયો હોવાનું તેમની સાથેની વાતચીતમાં અનુભવાયું હતુ.

વલસાડના (Valsad Advocate) તિથલ રોડ પર રહેતા અને મૂળ રાબડા ગામના યુવા વકીલ ચેતનભાઇ પટેલ તેમના પત્ની અર્ચના અને જોડિયા બાળક ફેરી અને ભવ્ય સાથે ઉનાળુ વેકેશન હોય, અમેરિકા ફરવા ગયા હતા. અમેરિકામાં તેઓ શનિવારે મૂળ વાઘછીપાના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા હરીહરભાઇ પટેલ સાથે એલન સિટીના એલન મોલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ સ્કેચર્સના કંપની આઉટલેટમાં પુત્ર ભવ્ય અને મિત્ર હરીહરભાઇ સાથે પ્રવેશ્યા અને તુરંત બહાર ફાયરિંગ શરૂ થઇ ગયું હતુ.

જો તેઓ આ સ્ટોર્સમાં બે મિનિટ મોડા પ્રવેશતે તો તેઓ પણ ફાયરિંગમાં ઘાયલ થઇ શકે એવી પરિસ્થિતિ સર્જાઇ શકે એમ હતી. જોકે, તેઓ સ્ટોર્સમાં પ્રવેશ્યા અને ફાયરિંગ શરૂ થયું અને તુરંત જ સ્ટોર્સના મેનેજરે દરવાજો બંધ કરી દેતાં તેમનો, તેમના પુત્રનો અને મિત્રનો જીવ બચી ગયો હતો.

આ સંદર્ભે વધુમાં ચેતનભાઇએ જણાવ્યું કે, આખી ઘટના હોલિવુડ ફિલ્મના સીન જેવી લાગી હતી. બહાર નીકળ્યા ત્યારે 100 થી વધુ પોલીસની કાર, ઢગલા બંધ ફાયર ફાયટરો અને બંબા, આકાશમાં ચક્કર લગાવતા 3 હેલિકોપ્ટર તેમજ બહાર જીવ બચાવી અજંપાભરી પરિસ્થિતિમાં જોવા મળતા લોકો. આ કોઇ હોલિવુડ ફિલ્મના દ્રશ્ય કરતાં ઓછું ખતરનાક ન હતુ. અમેરિકા જેવા ખુબ સેફ દેશમાં આવી ઘટના બને ત્યારે એવું લાગે કે, જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં જ છે. કોઇપણ સ્થળે કોઇપણ પરિસ્થિતિમાં કંઇ પણ બની શકે છે.

ફાયરિંગ થયું ત્યારે પત્ની બાળકી સાથે કારમાં બહાર જતી રહી હતી
ચેતન પટેલે જણાવ્યું કે, જ્યારે સ્કેચર્સના મોલમાં પહોંચ્યા અને ફાયરિંગ શરૂ થયું ત્યારે મારી પત્ની અર્ચના અને પુત્રી ફેરી બહાર કારમાં જ હતી. તેઓ કારમાંથી ઉતરી અંદર આવતા જ હતા, પરંતુ તેમણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને મારી અમેરિકા સ્થિત ભત્રીજી શિવાનીએ સમય સૂચકતા વાપરી અને કાર બહાર હંકારી દીધી હતી. જેના કારણે તેમનો પણ જીવ બચી ગયો હતો. જોકે, સ્ટોર રૂમમાં બંધ થયા બાદ મારી પત્ની સાથે વાત થઇ અને તે સુરક્ષિત છે, ત્યારે થોડી એન્ઝાઇટી દૂર થઇ હતી.

એક મહિલાનો પતિ સ્ટોરની બહાર રહી ગયો અને અંદર રૂદન ચાલુ થયુ
એક ચાઇનીઝ અમેરિકન મહિલા સ્કેચર્સના આઉટલેટમાં દાખલ થઇ પરંતુ તેનો પતિ બહાર રહી ગયો હતો અને ફાયરિંગ શરૂ થતાં જ મેનેજરે દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ તેનો પતિ દરવાજા પાસે આવ્યો અને દરવાજો ખોલવા જણાવતો હતો. જ્યારે મેનેજર દરવાજો ખોલવાનુ રિસ્ક લેવા માંગતો ન હતો. ત્યારે અંદર આવી ગયેલી મહિલાનું રૂદન હ્રદય કંપાવનારૂં હતુ. આખી ઘટના એક ફિલ્મના જીવંત દ્રશ્ય જેવી બની ગઇ હતી.

ઘટનાની 10 મિનિટમાં પોલીસ પહોંચી દોઢ જ કલાકમાં અમને બહાર કાઢ્યા
ફાયરિંગની આ ઘટનાની 10 મિનિટમાં પોલીસ પહોંચી ગઇ હતી. તેમણે વળતું ફાયરિંગ કરી પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી હતી. આ ઘટનામાં પોલીસની ગણાય નહી એટલી કાર બહાર આવી ગઇ હતી. સાથે સાથે ફાયરના વાહનોની પણ ત્યાં કતાર લાગી ગઇ હતી. ફાયરિંગ કરનાર માર્યો ગયો હોવાનું જણાતા પોલીસે મોલને તમામ ફરતેથી સીલ કરી દીધું હતુ અને એક પછી એક દુકાનો ખોલાવી તેમાંથી હાથ ઉંચા કરી તમામને બહાર કઢાયા હતા. ફસાયેલા લોકોને બહાર કાઢતા સમયે સેંકડો પોલીસકર્મીઓ સામ સામે ઉભા રહ્યા અને એક સુરક્ષિત કોરીડોર બનાવ્યો હતો. તેમાંથી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હોવાનું ચેતન પટેલે જણાવ્યું હતુ.

ફાયરિંગ કરનાર સહિતની ચાર લાશ મારી નજરે જોઇ
પોલીસે જ્યારે અમને એક કોરીડોર બનાવી બહાર કાઢ્યા ત્યારે સીધું જોવા જ જણાવ્યું હતુ. જેનાથી કોઇ આજુબાજુની પરિસ્થિતિ જોઇ વિચલિત ન થાય, પરંતુ ફાયરિંગ કરનાર અને ભોગ બનનારની લાશ હું જે સ્ટોરમાં હતો તેનાથી થોડે દૂર જ હોય મેં ચાર લાશ મારી નજરે જોઇ હતી. ગોળીથી વિંધાયેલી ચાર લાશ જોવું કોઇનું પણ હ્રદય હચમચાવી દે એવું હોય છે.આ દ્રશ્ય મારા મનમાં હજુ પણ ફર્યા કરે છે.

Most Popular

To Top